November 21, 2024

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલો તબક્કોઃ મતદારોમાં ઉત્સાહઃ સવારે બે કલાકમાં સરેરાશ 12 ટકા જેટલું મતદાન

મોટાભાગના ટોચના નેતાઓ, સરકારી અધિકારીઓ અને રાજકીય પક્ષના અગ્રણી કાર્યકરોએ સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન કરી દીધુંઃ સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં 15 ટકા જ્યારે સૌથી ઓછું સુરેન્દ્રનગરમાં 11 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું. જેમાં રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સરેરાશ 12 ટકા જેટલું મતદાન બે કલાકમાં જ એટલે કે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં નોંધાઈ ચુક્યું છે.

સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટેનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી લોખંડી સુરક્ષા બંદોબસ્ત સાથે શરૂ કરી દેવામાં આવ્યું છે. મતદારોને કોઈ તકલીફ નહીં પડે તે માટે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ તમામ મતદાન મથકો ઉપર કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટેની તમામ સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

દરમિયાન વહેલી સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. કોંગ્રેસ દ્વારા પણ ટ્વિટ કરી લોકોને મતદાનની અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલે પોતાની ટ્વિટમાં ગુજરાતની મતદારોને અપીલ કરી હતી કે ગુજરાત અને તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મત જરૂર આપો અને કંઈક મોટું કરીને આવજો.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સવારે જ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના પરેશ ધાનાણી સાયકલ ઉપર ગેસનો સિલિન્ડર લઈને મતદાન કરવા નીકળ્યા હતાં. વિજય રૂપાણીએ પોતાની પત્ની સાથે રાજકોટમાં, માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી હળપતિએ મતદાન કર્યું હતું. નવસારી વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે બિરસા મુંડાનો ફોટો હાથમાં લઈને મતદાન માટે આવ્યા હતાં. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાવનગરના ઉમરાળા ખાતે પોતાનો મત નાંખ્યો હતો.

પીઢ કોંગ્રેસી નેતા સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝે અંકલેશ્વર બેઠક ઉપર મતદાન કર્યું હતું. પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ શરૂઆતના કલાકમાં જ પોતાનો મત નાંખ્યો હતો. સુરતની મજુરા વિધાનસભા બેઠક ઉપર જૈન સમાજના લોકો પૂજાના વસ્ત્રો પહેરી મતદાન કરવા પહોંચ્યા હતાં. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકએ આજે સવારે પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું.

સવારે અગ્યારેક વાગ્યા સુધી તમામ 89 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી છે અને ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવો નોંધાયા નથી. બેએક મતદાન મથકો ઉપર EVM ખોટકાયા હોવાથી થોડો હોબાળો થયો હતો, તે સિવાય યોગ્ય રીતે મતદાન ચાલી રહ્યું છે અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે બે કલાકમાં એટલે કે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં 15 ટકા જ્યારે સૌથી ઓછું 11-11 ટકા મતદાન દ્વારકા અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. જ્યારે સુરતમાં 14 ટકા, તાપી અને નવસારીમાં 13-13 ટકા, વલસાડમાં 14 ટકા, ભરૂચ અને નર્મદામાં 13-13 ટકા, રાજકોટ, અમરેલી અને મોરબીમાં 13-13-13 ટકા, કચ્છમાં 12 ટકા, જામનગરમાં 13 ટકા, ગીર સોમનાથમાં 12 ટકા, જૂનાગઢમાં 13 ટકા, પોરબંદરમાં 12 ટકા, ભાવનગરમાં 13 ટકા અને બોટાદમાં 12 ટકા મતદાન સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *