December 3, 2024

વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપને એકનો ફાયદો, કોંગ્રેસે બે બેઠકો ગુમાવી

6 રાજ્યોની તમામ 7 બેઠકોના પરિણામ જાહેરઃ 1ના ફાયદા સાથે 4 બેઠકો ભાજપને ફાળે, 1-1-1 બેઠક શિવસેના (ઉદ્ધવ જૂથ), RJD અને TRSના ખાતામાંઃ કોંગ્રેસ પાસે બે બેઠકો હતી, બંને ગઈ

દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ગઈકાલે તા. 3જીના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપને એક બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસે હરિયાણાની આદમપુર તેમજ તેલંગણાની મુમુગોડ બેઠકો ગુમાવી દીધી છે. કોંગ્રેસે ગુમાવેલી બે બેઠકો પૈકી એક ભાજપને ફાળે જ્યારે બીજી TRSને ફાળે ગઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ને બેઠક ટકાવી રાખવા સાથે નોંધપાત્ર ફાયદો થયો છે.

યુપીની ગોલા ગોકર્ણનાથ, બિહારની મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રની અંધેરી ઈસ્ટ તેમજ તેલંગણાની મુમુગોડ, હરિયાણાની આદમપુર અને ઓડિસાની ધામનગર બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાઈ હતી. મુમુગોડ અને આદમપુર બેઠકના કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાતાં તે ખાલી પડી હતી. જ્યારે અન્ય ચાર બેઠકોના ધારાસભ્યોના નિધન થતાં તેમજ એક ધારાસભ્ય અયોગ્ય ઠેરવાતાં આ સાત બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી.

આજે જાહેર થયેલા પરિણામો મુજબ યુપીની ગોલા ગોકર્ણનાથ બેઠકના ભાજપી ધારાસભ્ય અરવિંદ ગિરિના નિધન બાદ ભાજપે ખાલી પડેલી આ બેઠક ઉપર તેમના પુત્ર અમન ગિરિને ઉમેદવારી સોંપી હતી, જે જીતી જતાં ભાજપની બેઠક જળવાઈ રહી છે. તેવી જ રીતે બિહારના ગોપાલગંજના ભાજપી ધારાસભ્ય સુભાષ સિંહના નિધન બાદ ભાજપે તેમના પત્ની કુસુમદેવીને ઉમેદવારી સોંપી અને તેઓ જીતી જતાં ભાજપની બેઠક જળવાઈ રહી છે. ઓડિસાની ધામનગર બેઠકના ભાજપી ધારાસભ્ય બિશ્નુ શેઠીના નિધન બાદ ભાજપે તેમના પુત્ર સૂરજ સૂર્યવંશીને ઉમેદવારી સોંપી હતી, એ પણ જીતી જતાં ભાજપની બેઠક જળવાઈ રહી છે. હરિયાણાની આદમપુર બેઠક પહેલાં કોંગ્રેસના હાથમાં હતી. પરંતુ આ બેઠકના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતાં રહેતાં બેઠક ખાલી પડી હતી. ભાજપે આ બેઠક ઉપર કુલદીપના પુત્ર ભવ્યાને ઉમેદવારી સોંપી હતી અને એ જીતી જતાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી છે અને ભાજપને એક બેઠકનો ફાયદો થયો છે.

મહારાષ્ટ્રના મુંબઈની અંધેરી ઈસ્ટ બેઠક ઉપર શિવસેનાના રમેશ લટકે ધારાસભ્ય હતાં અને તેમનું નિધન થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક માટે શિવસેના (ઉદ્ધવ જૂથ)એ રમેશના પત્ની ઋતુજા લટકેને ઉમેદવારી સોંપી હતી. કોંગ્રેસ અને એનસીપીએ ઋતુજાને સમર્થન આપ્યું સાથે જ ભાજપે આ બેઠક માટેની ઉમેદવારી પરત ખેંચાવી લેતાં ઋતુજાની જીત થઈ છે અને બેઠક શિવસેના પાસે જ રહી છે. અલબત્ત આ બેઠક ઉપર 6 અપક્ષ ઉમેદવારોને માત્ર 1500 જેટલા જ મત મળ્યા અને તેનાથી નોંધપાત્ર વાત એ છે કે ઋતુજાના 66,247 મત સામે નાટોના 12,776 મત પડ્યાં હતાં.

બિહારની મોકામા બેઠક આરજેડી પાસે હતી પરંતુ તેના ધારાસભ્ય અનંત સિંહને અયોગ્ય ઠેરવાતાં આરજેડીએ અનંત સિંહના જ પત્ની નિલમ દેવીને ઉમેદવારી સોંપી હતી. નિલમ દેવીનો વિજય થતાં બેઠક આરજેડી પાસે રહી છે પરંતુ નોંધપાત્ર વાત એ છે કે આ બેઠક ઉપર ભાજપે પહેલી વખત જ ઉમેદવાર ઉતાર્યો હતો અને ભાજપના ઉમેદવાર સોનમદેવીને 62,939 મત મળ્યા હતાં. આરજેડીના નિલમ દેવીને 79,646 મત મળતાં તે વિજયી જાહરે થયા હતાં.

તેલંગણાની મુમુગોડ બેઠક કોંગ્રેસના હાથમાં હતી, પરંતુ તેના ધારાસભ્ય કોમિતા રેડ્ડી કોંગ્રેસ છોડીને ભાજપમાં જતાં રહેતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ટીઆરએસના ફાળે ગઈ છે અને તેના ઉમેદવાર કે. પ્રભાકર રેડ્ડીને 96,598 મત મળ્યા છે. ભાજપે રાજગોપાલને ઉમેદવારી સોંપી હતી જેમને 86,485 મત મળ્યા હતાં. આમ કોંગ્રેસની આ બેઠક ઉપર ભાજપનું સારૂં પ્રદર્શન રહેવા છતાં બેઠક ટીઆરએસએ આંચકી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો