બતાવ ને..
અશ્રુ તારા હર્ષના છે કે વિષાદના, બતાવને
ઘડી તારી મિલનની છે કે વિયોગની, બતાવને
ક્યાંક અમીછાંટણા, તો ક્યાંક ઝરમર-ઝાપટાં
ક્યાંક તો જાણે ખીજ તું કાઢે છે, કેમ? બતાવને
ક્યારેક વિનાશક બની વાવાઝોડા સાથે ફરે છે
આવું કરવું સાચ્ચે ગમે છે ખરૂં તને? બતાવને
મિલનની પ્યાસ બુંદ બુંદમાં ભરીને લાવે છે તું
ને વિખૂટાઓને તો તું રડાવે છે, કેમ? બતાવને
શોક કે સ્નેહ, ખંખેરીને ચાલી નીકળશે હમણાં
બાકીના મહિનાઓ તું જાય છે ક્યાં? બતાવને
વરસાદ, મેઘા, મેહુલિયા, કેટલાયે નામ છે તારા
તને કયું નામ ગમે છે, તારૂં ઠામ ક્યાં છે, બતાવને
-વાસુદેવ ઠાકર