November 21, 2024

વડોદરામાં યુવાનના શરીરમાંથી નીકળી 1628 પથરી

પથરીનો દુખાવો ખુબ જ પીડાદાયક હોય છે. કોઈ વ્યક્તિને પથરીનો દુખાવો તો તેને સહન કરવો ઘણો જ મુશ્કેલ થઈ જાય છે. શરીરમાં એક-બે પથરી હોય તો પણ દર્દીની હાલત કફોડી થઈ જાય છે તો જરા એ વિચારો કે જેના શરીરમાંથી 1628 જેટલી અધધ પથરી નીકળી હશે તેની હાલત કેવી હશે. આ ઘટના છે વડોદરાની જ્યાં એક યુવાનના શરીરમાંથી અધધ 1628 પથરી નીકળી છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહંમદ ખલીક પઠાણના શરીરમાંથી 1628 પથરી નીકળી છે. આ પથરી જોઈને ડોક્ટર પણ અચંબામાં મૂકાયા હતા કે આખરે કેવી રીતે એક માણસના શરીરમાં આટલી પથરી રહી શકી હશે.
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહંમદ ખલીક પઠાણ જે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેના પિત્તાશયમાંથી 1628 પથરીઓ લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા દુર કરવામાં આવી હતી.
ગુરૂવારે આ યુવાન ઉપર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પિત્તાશયમાંથી 1628 પથરીઓ દુર કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરીઓ દુર તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો છે. લેપ્રોસ્કોપીક સર્જન ડૉ લલીત મછાર, ડોક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી અને એનેસ્થેટીસ ડૉ તુષાર ચોકસીએ આ ઓપરેશનને પાર પાડ્યુ હતું. સાથે જ ૩૦ વર્ષની તબીબી કેરિયર દરમિયાન પિત્તાશયમાં આટલા મોટા પ્રમાણમાં પથરી જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું જણાવ્યું હતું.
તબીબોએ જણાવ્યું કે, પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણોમાં ચરબી, માંસાહાર ફાસ્ટફુડનો વધુ પડતો આહાર કારણભુત છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.
આ પથરીને ગણવામાં સ્ટાફને લગભગ ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપીક સર્જરી કરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાનની તબિયત સુધારા પર અને તંદુરસ્ત હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *