મેઘરાજાએ પરંપરા જાળવી:કૃષ્ણ જન્માષ્ટમીએ વહાલ વરસાવ્યું
આખો શ્રાવણ માસ હાથતાળી આપ્યા બાદ આજે દરવર્ષની જેમ જન્માષ્ટમીના રોજ વહાલ વરસાવવા નિકળ્યા હોય એમ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચતાં લોકોએ થોડાં સમય માટે બફારાથી રાહત મેળવી હતી અને વરસાદના કારણે જન્માષ્ટમીનો ઉત્સાહ બેવડાયો હતો.
છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે વિરામ લેતાં લોકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા, જ્યારે કેટલાંક ઠેકાણે ખેતી માટે પાણીની પણ બુમરાણ ઉઠી હતી. ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેથી શહેરીજનોએ ખાસ્સી રાહત મેળવી હતી. આજે જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં સવારથી અત્યાર સુધી 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામા 2 કલાકમાં સવા બે ઈંચ, ઉમરપાડામાં દિવસમાં 3 ઈંચ વરસાદ જ્યારે વઘઈમાં 2 ઈંચ, ડાંગ-આહવામાં 2 ઈંચ, સુબીરમાં દોઢ ઈંચ, ડેડિયાપાડા અને છોટાઉદેપુરમાં સવા એક ઈંચ, સતલાસણા અને મહીસાગરના વીરપુરમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો છે.