October 31, 2024

સુરત ઉત્રાણ પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લઈને ભાગી ગયો

એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવ્યું હતું પરંતુ લાંચની રકમ લઈને ફરાર થઈ ગયોઃ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી ખાણ-ખનિજ વિભાગને જાણ નહીં કરવા, પતાવટ કરવા રૂ. 2 લાખ માંગ્યા હતાં, 1.50 લાખની લાંચ નક્કી થઈ હતી

સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં એક સનસની ઘટના બની છે, જેમાં પોલીસ મથકનો એક કોન્સ્ટેબલ લાંચના છટકામાં ભેરવાયો તો ખરો પરંતુ લાંચની રકમ લઈને ફરાર થઈ જતાં એન્ટી કરપ્શન બ્યુરોનો સ્ટાફ હાથ ઘસતો રહી ગયો હતો. અલબત્ત આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાયો છે.

સમગ્ર હકીકત એવી છે કે સુરત શહેર પોલીસ કમિશનરેટમાં સમાવિષ્ટ ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેને ગઈ તા. 23.11.2022ના રોજ તાપી નદી કિનારેથી રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું અને ટ્રેક્ટરને ઉત્રાણ પોલીસ મથકે લઈ ગયો હતો. રઈશ ગુલામ હુસેને ટ્રેક્ટરના ડ્રાઈવરની પૂછપરછ કરી જેમનું આ ટ્રેક્ટર-રેતી હતાં તેમને પોલીસ મથકે તેડાવ્યા હતાં.

આ કેસના ફરિયાદી કે જેમનું આ ટ્રેક્ટર છે અને રેતી-કપચીના વેપાર સાથે સંકળાયેલા છે, તેમને બોલાવીને રઈશ ગુલામ હુસેને પૂછપરછ શરૂ કરી હતી. એટલું જ નહીં, રેતી ભરેલા ટ્રેક્ટર અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરી મોટો કેસ કરવાની ધમકી આપી હતી. સમગ્ર કેસને દબાવી દેવા તેમજ રૂ. 500ની રસીદ ફાડી ટ્રેક્ટર છોડી દેવા માટે રઈશ હુસેને રૂ. 2 લાખની લાંચ માંગી હતી. અલબત્ત રકઝકના અંતે રૂ. 1.50 લાખમાં પતાવટ થઈ હતી.

રઈશે લાંચની રકમ નક્કી થઈ જતાં ટ્રેક્ટર છોડી દીધું હતું, જો કે ફરિયાદીએ લાંચની રકમ થોડા દિવસો બાદ આપવા જણાવ્યું હતું. દરમિયાન ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જેમાં ગઈકાલે ફરિયાદીની ઓફિસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેન ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને તેણે લાંચની રકમ સ્વિકારી લીધી હતી. પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોની રેડ જોતાં તે લાંચની રકમ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

એન્ટી કરપ્શન બ્યુરોએ રઈશ ગુલામ હુસેન વિરુદ્ધ રૂ. 1.50 લાખની લાંચની રકમ સ્વિકારવા અંગેનો ગુનો નોંધી લીધો છે. લાંચના છટકાની કાર્યવાહી સુરત એસીબી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર આર. કે. સોલંકી તથા સ્ટાફે જ્યારે સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *