December 3, 2024

‘રાષ્ટ્રીય બાલિકા દિન’ નિમિત્તે શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દીકરીઓને ‘સન્માન પત્ર’ એનાયત

સુરત:બુધવાર: કેન્દ્ર સરકારની ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ૨૪ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દીકરીઓને ‘સન્માન પત્ર’ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.


વિશ્વ બાલિકા દિવસે એવી મહિલાશક્તિની વાત કરવી છે કે, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતનું નામ રોશન કર્યું છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય પ્રકૃતિ કમલ શિંદેએ જિમ્નાસ્ટીકની રમતમાં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ૦૧ ગોલ્ડ અને નેશનલ ચેમ્પિયનશીપમાં ૦૨ ગોલ્ડ, ૦૭ સિલ્વર અને ૦૩ બ્રોન્ઝ મેડલ તેમજ રાજ્ય કક્ષાએ 30 ગોલ્ડ, ૦૭ સિલ્વર અને ૦૫ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૩૩ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૦૮ બ્રોન્ઝ મેડલ મેળવી આતંરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાએ સુરત-ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રકૃતિ શિંદેની સિદ્ધિની વાત કરીએ તો નાનપણથી જ તેણે જિમ્નાસ્ટીક શીખવાનું શરૂ કર્યું હતું. વેકેશનમાં સમયનો સદુપયોગ કરવાના હેતુથી પ્રેક્ટિસનો સમય વધારી અને ધીરે ધીરે રસ વધતા અથાગ મહેનત અને લગન સાથે આ ક્ષેત્રેમાં ઝંપલાવ્યું.
જિમ્નેસ્ટિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પ્રકૃતિ શિંદે છેલ્લાં ૧૪ વર્ષથી આ રમતની પ્રેક્ટિસ કરે છે. આ હોનહાર ટેલેન્ટેડ ખેલાડીએ જણાવ્યું છે કે, ‘‘મેં જિમ્નેસ્ટિકસ હોબી તરીકે સ્ટાર્ટ કર્યું હતું. ઘર નજદીકના જિમ્નેસ્ટિકના કલાસમાં જતી. ધીરે-ધીરે રસ વધ્યો. મેં બેંગ્લોરમાં આયોજિત ૧૬મી નેશનલ ચેમ્પિયનશીપમાં ૨ સિલ્વર મેડલ મેળવ્યા હતા. નાગપુરમાં ૧૫મી એરોબિક જિમ્નેસ્ટિક નેશનલ ચેમ્પિયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૮માં મોંગોલિયામાં આયોજિત એરોબિક જિમ્નેસ્ટિક એશિયન કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હું રોજ સવારે ત્રણ કલાક અને સાંજે ચાર કલાક પ્રેક્ટિસ કરું છું. મારો ગોલ ઇન્ટરનેશનલ રમતમાં મેડલ મેળવતા રહેવાનો છે, જેથી મારી અને મારા ગુરૂ એવા કોચની મહેનત એળે નહીં જાય.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રમત-ગમત ક્ષેત્રે દિકરીઓને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, ત્યારે મને પણ સરકાર તરફથી રૂ.૬૦,૦૦૦ની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. કોઈ પણ ક્ષેત્રમાં પેરેન્ટ્સના સપોર્ટ વગર આગળ વધવું શક્ય નથી, ત્યારે જિમ્નેસ્ટિક માટે મારા પેરેન્ટ્સનો સતત સપોર્ટ અને પ્રોત્સાહન રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો