રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરૂં, બ્લાસ્ટ કરી ટ્રેકને મોટું નુક્સાન પહોંચાડાયું
ઉદયપુર અમદાવાદ વચ્ચે રેલવે ટ્રેકને ડિટોનેટરના બ્લાસ્ટથી ક્ષતિગ્રસ્ત કરી દેવાયોઃ સ્થાનિક ગ્રામિણોની જાગરૂકતાને લીધે મોટી દુર્ઘટના ટળીઃ વડાપ્રધાન મોદીએ 31મી ઓક્ટોબરે જ અસારવા-ઉદયપુરના આ નવા ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું હતું
રાજસ્થાનમાંથી એક મોટા ષડ્યંત્રના સમાચાર સામે આવ્યા છે. ઉદયપુર અમદાવાદ વચ્ચે થોડા દિવસો પૂર્વે જ શરૂ કરાયેલા નવા રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરી મોટું નુક્સાન પહોંચાડાયું છે. અલબત્ત સ્થાનિક ગ્રામિણોની જાગરૂકતાને પગલે રેલવે તંત્રને જાણ થઈ અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉદયપુર-સલુમ્બર રેલવે ટ્રેક ઉપર કેવડે કી નાલ નજીક ઓડા પુલ ઉપર સ્થાનિકોએ ગઈકાલે રાત્રે જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. લોકો કુતૂહલવશ ત્યાં પહોંચ્યા તો બ્લાસ્ટની જગ્યાએ રેલવે ટ્રેકને મોટું નુક્સાન પહોંચ્યું હતું. જેથી લોકોએ તુરંત જ સ્થાનિક કલેક્ટરેટ ઉપરાંત રેલવે સત્તાવાળાઓને જાણ કરી હતી. રેલવે તેમજ સ્થાનિક પોલીસના કાફલા સાથે સ્થળ ઉપર તપાસ કરાઈ તો રેલવે ટ્રેક ખૂબ જ ક્ષતિગ્રસ્ત હાલતમાં હતો. જેથી રેલવેએ તુરંત જ આ ટ્રેક ઉપરની ટ્રેનની અવરજવર સ્થગિત કરી તાત્કાલિક રિપેરીંગનું કાર્ય હાથ ધર્યું હતું.
નોંધનીય છે કે ગઈ તા. 31મી ઓક્ટોબરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવા ઉદયપુર વચ્ચેના આ નવા રેલવે ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું હતું. અસારવા ઉદયપુર વચ્ચેની ટ્રેન તેના નિયત સમય મુજબ સવારે 10.30 વાગ્યે આ ટ્રેક ઉપરથી પસાર થવાની હતી. જેથી ક્ષતિગ્રસ્ત રેલવે ટ્રેક વિષે ચોક્કસ માહિતી ન મળતે તો આ ટ્રેન ઉથલી જાય અને ભારે ખુંવારી થાય તેવી ભીતિ હતી.
પ્રાથમિક તપાસમાં એવું સ્પષ્ટ થયું છે કે કોઈ તોફાની તત્વોએ આ રેલવે ટ્રેક ઉપર ડિટોનેટરથી બ્લાસ્ટ કર્યો છે અને રેલવે ટ્રેકને ક્ષતિગ્રસ્ત કર્યો છે. રેલવે ઉપરાંત સ્થાનિક કલેક્ટરેટ દ્વારા ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દેવાયા છે.