યોગીનો સપાટો, ભ્રષ્ટાચારી ચીફ પોલીસ ઓફિસરને સબ ઈન્સ્પેક્ટર બનાવી દીધો
હોસ્પિટલ સંચાલક અને તત્કાલિન ઈન્સ્પેક્ટર વિરુદ્ધ મહિલાએ ગેંગરેપનો કેસ કર્યો હતો અને આત્મદાહની ચેતવણી સુદ્ધાં આપી હતીઃ ચીફ ઓફિસરનો રૂ. પાંચ લાખની લાંચ લેતો વીડિયો જાહેર થયો હતો, તપાસમાં તથ્ય જણાતાં મુખ્યમંત્રી યોગીએ ચીફ ઓફિસરનું ડિમોશન કરી સબ ઈન્સ્પેક્ટર બનાવી દીધો
યુપીના લખનૌમાં મહિલા ઉપર ગેંગરેપના એક ચક્ચારી કેસમાં તપાસ બાદ પોલીસના એક ભ્રષ્ટાચારી ચીફ ઓફિસરને સબ ઈન્સ્પેક્ટર તરીકે ડિમોશનનો આદેશ મુખ્યમંત્રી યોગી દ્વારા અપાયો છે.
હકીકત કંઈક એવી છે કે 2021માં એક મહિલાએ પોતાની ઉપર ગેંગરેપની ફરિયાદ કરી હતી. જેમાં સ્વામિ વિવેકાનંદ હોસ્પિટલના સંચાલક વિનોદ યાદવ અને તત્કાલિકન પોલીસ ઈન્સ્પેક્ટર ગંજ રામવીર યાદવ સામે આ મહિલાએ ગેંગરેપની ફરિયાદ કરી હતી. તે સમયે રામપુર સદરના ઉપ ક્ષેત્રાધિકારી એટલે કે ડેપ્યુટી અધિક્ષક અને ચીફ ઓફિસર તરીકે વિદ્યા કિશોર શર્મા ચાર્જમાં હતાં. મહિલાની ફરિયાદ પ્રમાણે વિનોદ યાદવ અને પોલીસ ઈન્સ્પેક્ટર ગંજ રામવીર યાદવ વિરુદ્ધ એફઆઈઆર ન થતાં મહિલાએ આત્મદાહની ચિમકી આપી હતી. જેથી મુખ્યમંત્રી યોગી સુધી વાત પહોંચતાં સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસમાં તથ્ય જણાતાં યુપીના ગૃહ મંત્રાલયના આદેશથી વિનોદ યાદવ અને ગંજ રામવીર યાદવ સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ તપાસમાં એવું તથ્ય સામે આવ્યું કે ચીફ ઓફિસર તરીકે આ ગેંગરેપ કેસમાં યોગ્ય તપાસ ચીફ ઓફિસર વિદ્યા કિશોર શર્મા દ્વારા કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, તેમણે કેસમાં ભીનું સંકેલી આરોપીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. સાથે જ કેસમાં આરોપીઓને બચાવવા તેમણે રૂ. પાંચ લાખની લાંચ લીધી હતી તેવો વીડિયો તપાસ કરનારા અધિકારીઓ સમક્ષ જાહેર થઈ ગયો હતો.
જેને પગલે આજે ગૃહ મંત્રાલય દ્વારા ચીફ ઓફિસર વિદ્યા કિશોર શર્માને તેમની મૂળ જગ્યાએ એટલે કે સબ ઈન્સ્પેક્ટરના હોદ્દા ઉપર ડિમોશન કરવાના આદેશ અપાયા છે. આમ તો યોગીના આ પગલાંની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલેરન્સની નીતિ તરીકે વખાણ થઈ રહ્યાં છે. અલબત્ત ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી હજુ પણ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર તો છે જ અને ભવિષ્યમાં તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.