લિફ્ટ તૂટવાની ઘટનામાં બેના મોત સંદર્ભે યોગ્ય પગલાં લેવા ઈન્ટુુકે કરી માંગ
સુરતમાં સચિન GIDC ખાતે આવેલી મુધુનંદન ઇન્ડસ્ટ્રીઝમાં ૨૮-૦૮-૨૦૨૩ નાં રોજ લિફ્ટ તૂટી પડ્યાની ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના મામલે શનિવારે સુરત ઇન્ટુક દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત કરતું એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સચિન GIDC ખાતે આવેલ મધુનંદન ઇન્ડસ્ટ્રીઝમાં લિફ્ટ તૂટી પડ્યાની ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં (૧) ધર્મેશ્વર બૈઠા (૨) સંદીપ કુમાર ચૌહાણ (૩) વિક્રમ નામક કામદારો ગંભીર રીતે ઇજા પામ્યા હતા જેમાંથી ૨ કામદારો ધર્મેશ્વર અને સંદીપ નામના કામદારોના મૃત્યુ થયા છે અને ૧ કામદાર જેનો નામ વિક્રમ છે તે સારવાર હેઠળ છે. આ ઘટના ખુબજ ગંભીર ઘટના છે અને સુરતના ઔધોગિક એકમોમાં સેફ્ટી ગાઇડલાઈન્સના પાલનનાં અભાવે ભૂતકાળમાં પણ કેટલીક દુર્ઘટનાઓ થઈ છે જેમાં કામદારોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
આ સાથે જ ઇન્ટુક અગ્રણી અને કામદાર નેતા શાન ખાને જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝનાં સંચાલકોની ગુનાહિત બેદરકારી તથા ફેકટરી અને શ્રમ ખાતાના અધિકારીઓની લાલિયાવાડીનાં કારણે નિર્દોષ કામદારો ભોગ બની રહ્યા છે જે ખુબજ દુઃખદ બાબત છે. અગાઉ પણ કેટલીક દુર્ઘટનાઓ બની છે પરંતુ સુરતના વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. જો સુરતના ઉધોગિક એકમોમાં તપાસ કરવામાં આવે તો મોટાભાગે સેફ્ટી ગાઇડલાઈન્સનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે જેના કારણે આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બનતી રહેશે. માટે આ બાબતે મિલ અને ખાતાઓના સંચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી સેફ્ટી ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરાવવાની જરૂરિયાત છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને.
જ્યારે સુરત ઇન્ટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, મધુનંદન ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી દુર્ઘટનાની ઉચ્ચ તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તથા મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ પ્રસંગે સુરત ઇન્ટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રા, અગ્રણી શાન ખાન, દેવપ્રકાશ પાંડે, દીપચંદ પાંડે, અલ્તાફ ફ્રુટવાલા સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.