મહેસાણામાં ફટાકડાંના કારણે ગેસના ફુગ્ગામાં ભભુકી આગ:30 દાઝ્યા
ઉંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો ત્યારે સેંકડો શ્રદ્ધાળુઓ હાથમાં ફુગ્ગા લઈને ઉભા હતા ત્યારે જ અચાનક ધડાકો થયો અને આગની જ્વાળા ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી જેના કારણે 30 જેટલા લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને ઉંઝાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ઘટના અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં ગણપતિ દાદાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હવામાં છોડવા માટે ગેસ ભરેલા સેંકડો ફુગ્ગા લાવવામાં આવ્યા. જ્યારે ફુગ્ગા હવામાં છોડવાની તૈયારી કરાઈ રહી હતી એ જ સમયે ફટાકડા ફોડીને આતશબાજી પણ કરવામાં આવી રહી હતી. બરાબર એ જ સમયે ગેસ ભરેલા ફુગ્ગા ધડાકાભેર સળગી ગયા હતા. એકસાથે મોટી માત્રામાં ફુગ્ગાઓ સળગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ અને જોતજોતામાં જ અંદાજે 30 જેટલાં લોકો દાઝી ગયા હતા.