ભારતની જીતની ખુશી મનાવતાં યુવાન પર હુમલો, સૈયદપુરામાં કોમી છમકલું
- પાકિસ્તાન સામે ભારતનો ક્રિકેટમાં વિજય થતાં સૈયદપુરામાં ખુશી મનાવી રહેલાં હિન્દુ યુવકને વિધર્મીઓએ બેરહમીથી ફટકાર્યો, ઘર પર પણ હુમલો કર્યો, પોલીસ આવી જતાં બચ્યો
- મુસ્લિમ યુવકે પણ સામી પોલીસ ફરિયાદ નોંધાવી, કહ્યું છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાં હતાં ત્યારે બોમ્બ સળગાવી તેમની તરફ ફેંકતાં રોક્યા તો હિન્દુ યુવકે અમને માર મારી ચપ્પુ બતાવી ધમકાવ્યો
દેશદાઝની અને કોમી એકતાની ગમે એટલી વાતો થાય, પરંતુ કેટલાક તત્વો એવા છે જેમને શાંતિ ગમતી નથી. સૈયદપુરામાં ગઈરાત્રે કોમી છમકલું થઈ ગયું હતું, જો કે પોલીસની સક્રિયતાને પગલે વાત આગળ વધતાં અટકી ગઈ હતી. ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે કચડી નાંખી જ્વલંત વિજય મેળવ્યો ત્યારે સ્વાભાવિક રીતે શહેરભરમાં ખુશીનો માહોલ છવાયો હતો. લોકો જીતનું જશ્ન મનાવી રહ્યાં હતાં, રેલી કાઢી, ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવી રહ્યાં હતાં.
સૈયદપુરા માર્કેટમાં પણ સુમિત વાઢેર નામનો એક યુવક ભારતની જીતમાં ઝૂમી ઉઠ્યો હતો અને ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે કેટલાક મુસ્લિમ યુવકો તેની પાસે આવ્યા અને ફટાકડા કેમ ફોડો છો એવું કહી બેટ-સ્ટમ્પ્સ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. સુમિત પોતાના ઘરે દોડ્યો ત્યારે વિધર્મીઓનું ટોળું ત્યાં પણ ધસી ગયું હતું. જો કે તેઓ કંઈ વધારે કરે તે પહેલાં પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. સુમિતનું કહેવું છે કે 15 વર્ષમાં વિધર્મી લોકોએ આ ત્રીજી વખત હુમલો કર્યો છે. જો કે અગાઉ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી, જેથી વિધર્મીઓ બેફામ બન્યા છે.
સુમિતને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર બાદ પરિજનો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યા હતાં અને વિધર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે એક વિધર્મી યુવક સૈયદપુરા મિરઝા મંઝિલમાં રહેતાં શાહરૂખ મિરઝાએ પણ સામી પોલીસ ફરિયાદ આપી છે. જેમાં તેણે કહ્યું છે કે સૈયદપુરા મટન માર્કેટ પાસે નાના છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાં હતાં ત્યારે સુમિત વાઢેર ત્યાં આવ્યો હતો અને બોમ્બ સળગાવી છોકરાઓ તરફ ફેંકતા અમે તેને એવું નહીં કરવા જણાવ્યું હતું. ત્યારે સુમિતે પોતાના મિત્રો વિજય અને પપ્પુ સાથે મળી મને પેટમાં લાત મારવા સહિત માર માર્યો હતો, એટલું જ નહીં, સુમિતે ચપ્પુ બતાવી મને ધમકાવ્યો હતો. મને ઉલટી થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
નોંધનીય છે કે હવે અનેક વિસ્તારો એવા છે કે જેમાં કેટલાક લોકોને ભારતની ખુશી કરતાં વધુ ચિંતા પાકિસ્તાનની હારની હોઈ શકે છે. જેથી ખુશી મનાવતાં પહેલાં સો વખત વિચારવા જેવું છે. તો બીજી તરફ એવું પણ લાગી રહ્યું છે કે આપણે ખુશી મનાવીએ ત્યારે અન્ય કોઈને તકલીફ નહીં પડે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.