ભારતમાં ગૂગલને રૂ. 1,337.76 કરોડનો દંડ ફટાકારાયો
ગૂગલ ઉપર એન્ડ્રોઈડ મોબાઈલ ઉપકરણો સંબંધિત સ્પર્ધા વિરોધી પ્રેક્ટિસના આરોપ સાથે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની કાર્યવાહીઃ ગૂગલને નિયત સમયમાં અન્યાયી વેપાર પ્રથા રોકવાના નિર્દેશ
ભારતમાં પણ દિગ્ગજ ટેક કંપની ગૂગલની મુશ્કેલીઓ વધી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ગૂગલને એન્ડ્રોઈડ મોબાઈલ ઉપકરણો સંબંધિત સ્પર્ધા વિરોધી પ્રેક્ટિસ બદલ રૂ. 1,337.76 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. CCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા લખ્યું છે કે “એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમમાં બહુવિધ બજારોમાં પ્રભાવશાળી હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને આ દંડ કરવામાં આવ્યો છે.”
CCIએ ગુગલને આવી અન્યાયી વેપાર પ્રથાને રોકવા તેમજ બંધ કરવા નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું કે ગૂગલને પણ નિર્ધારિત સમયમર્યાદામાં તેની કામગીરીમાં ફેરફાર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
CCI દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્માર્ટ મોબાઈલ ડિવાઈસને એપ્લિકેશન અને પ્રોગ્રામ ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ (OS)ની જરૂર પડે છે. એન્ડ્રોઇડ એ એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે 2005માં Google દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. કમિશને એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને વિવિધ Google માલિકીની મોબાઇલ એપ્લિકેશન્સ (જેમ કે પ્લે સ્ટોર, ગૂગલ સર્ચ, ગૂગલ ક્રોમ, યુટ્યુબ, વગેરે) ને લાઇસન્સ આપવા માટે ગૂગલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરી છે.