ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે શપથ લીધાં
દેશના 50માં CJI (Chief Justice of India) ચંદ્રચૂડને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શપથ લેવડાવ્યાઃ યુ. યુ. લલિતનો કાર્યકાળ પૂર્ણ થતાં ચંદ્રચૂડની નિયુક્તિ, બે વર્ષનો કાર્યકાળ રહેશેઃ પિતા વાય. વી. ચંદ્રચૂડનો સૌથી વધુ સમય CJI તરીકે રહેવાનો રેકોર્ડ
દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની નિયુક્ત કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ યુ. યુ. લલિતનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમના સ્થાને હવે ડી. વાય. ચંદ્રચૂડની નિમણૂંક કરવામાં આવી છે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે જેને દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI – ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) તરીકે પણ ઓળખવામાં આવે છે. CJI તરીકેનો 74 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી યુ. યુ. લલિત નિવૃત્ત થતાં તેમના સ્થાને આજે દેશના 50મા CJI તરીકે ડી. વાય. ચંદ્રચૂડની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ડી. વાય. ચંદ્રચૂડને CJI તરીકેના શપથ લેવડાવતાં તેમની નિમણૂંકની વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં અને ગાંધીજીની પ્રતિમાને વંદન, પુષ્પાર્પણ કર્યા બાદ તેમણે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો. તેમણે દેશના લોકોને શુદ્ધ, સ્વચ્છ ન્યાયની ખાતરી પણ આપી હતી.
નોંધપાત્ર છે કે ડી. વાય. ચંદ્રચૂડ સૌથી સિનિયર એટલે કે વરિષ્ઠ ન્યાયાધીશ છે. જસ્ટિસ ચંદ્રચુડ 29 માર્ચ 2000 થી 31 ઓક્ટોબર 2013 સુધી બોમ્બે હાઈકોર્ટના જજ હતા. તે પછી તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. જૂન 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે તેમને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે નેશનલ કેપિટલની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કરવા માટે કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું અને હાર્વર્ડ લો સ્કૂલ, યુએસએમાંથી ફોરેન્સિક સાયન્સમાં એલએલએમ અને ડોક્ટરેટ મેળવ્યું હતું.
13 મે 2016ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે તેમનું પ્રમોશન થયું હતું. તેઓ ઐતિહાસિક ચુકાદાઓ આપનાર અનેક બંધારણીય બેન્ચ તેમજ સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ રહી ચૂક્યા છે. જેમાં અયોધ્યા જમીન વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કરવા, આધાર યોજનાની માન્યતા સાથે સંબંધિત બાબતો, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન, ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન વિગેરેનો સમાવેશ થાય છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે તેઓ પૂર્વ CJI વાય. વી. ચંદ્રચૂડના પુત્ર છે. વાય. વી. ચંદ્રચૂડની CJI તરીકે 22 ફેબ્રુઆરી 1978માં નિયુક્ત થઈ હતી અને 11 જુલાઈ 1985 સુધી તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. 7 વર્ષ અને 4 મહિનાનો દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો આ કાર્યકાળ સૌથી લાંબો છે અને તે રેકોર્ડ વાય. વી. ચંદ્રચૂડ એટલે કે આજે નિયુક્તિ પામેલા CJI ચંદ્રચૂડના પિતાના નામે છે.