8 માસના બાળકને મારી બ્રેઈન હેમરેજ કરનાર મહિલાને હાઈકોર્ટથી જામીન
- પોતાના જોડિયા બાળકોના રડવાના અવાજની પડોશીઓની ફરિયાદને કારણે પતિ-પત્નીએ છૂપા કેમેરા લગાડેલા, જેમાં કેરટેકર મહિલાએ બાળકોને માર માર્યાનું જણાયું હતું
- સુરતની સેશન્સ કોર્ટે ગંભીર ગુનામાંથી આરોપીને છોડી મૂકી હતી, પરંતુ બાળકને ફ્રેક્ચરના ગુનામાં સજા કરી હતી, હાઈકોર્ટ અપીલ માન્ય રાખી જામીન આપ્યા
સુરતના ચક્ચારી, બાળકને મહિલા કેરટેકર દ્વારા માર મારી બ્રેઈન હેમરેજ કરવાના ગુનામાં, હાઈકોર્ટે મહિલા આરોપીને જામીન આપ્યા છે. સુરતની સેશન્સ કોર્ટે મહિલા આરોપીને ગંભીર ગુનામાંથી છોડી મુકી હતી, પરંતુ બાળકને ફ્રેક્ચર થવાના ગુનામાં સજા કરી હતી.
કેસની વિગતો એવી છે કે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતાં પતિ-પત્ની, બંને શિક્ષક તરીકેની નોકરી કરતાં હતાં. તેમણે પોતાના જોડિયા બાળકોની સાર-સંભાળ માટે પોતાના જ એક મિત્રની પત્ની કોમલબેન રવિભાઈ તાંદેલકરને કેરટેકર તરીકે નોકરીએ રાખી હતી. કોમલબેનને સંતાન નહીં હોવાથી તેમને ઘરેથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તે રીતે તેમની માનસિક અવસ્થા સારી ન હતી.
દરમિયાન શિક્ષક દંપતીને એવી ફરિયાદ મળી હતી કે જ્યારે બંને નોકરીએ જાય ત્યારબાદ તેમના બાળકોના રડવાનો ખૂબ અવાજ આવે છે. વાતને ગંભીર ગણી શિક્ષક દંપતીએ ઘરમાં છૂપા કેમેરા લગાડ્યા હતાં. જેમાં એવું જણાયું હતું કે કેરટેકર કોમલબેન શિક્ષક દંપતિના બાળકોને માર મારતાં હતાં. એક બાળકને એટલી હદે માર્યો હતો કે તેને 3 બ્રેઈન હેમરેજ થઈ ગયા હતાં. આ સાથે જ કોમલબેને બાળકોને માર મારતો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. દંપતિની ફરિયાદને આધારે પોલીસે કોમલબેન વિરુદ્ધ ગુનો નોંધી સંલગ્ન કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ ચાલી જતાં સુરતની સેશન્સ કોર્ટે આરોપી કોમલબેનને ગંભીર ગુનામાંથી છોડી મુક્યા હતાં, પરંતુ બાળકને ફ્રેક્ચરના ગુનામાં સજા કરી હતી.
આરોપી તરફે એડવોકેટ ધર્મેન્દ્ર કે. માટલીવાલા મારફતે હાઈકોર્ટમાં અપીલ કરવા અને જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવી હતી. એડવોકેટ માટલીવાલાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ નિરવ મજમુદાર મારફત ક્રિમિનલ અપીલ તથા જામીન અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી આરોપી કોમલબેન તાંદેલકરની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.