પ્રેમ પ્રકાશ આશ્રમમાં મફત આરોગ્ય જાગૃતિ સત્રનું કરાયું આયોજન
આજના બેઠાળું અને જંકફૂડના જમાનામાં જ્યારે બાળકોથી લઈને મોટેરાંઓમાં અનેક પ્રકારના રોગો દસ્તક દઈ રહ્યા છે ત્યારે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બને અને તે માટે જીવનમાં કસરતનું મહત્વ સમજે એ માટે પ્રેમ પ્રકાશ આશ્રમ દ્વારા આશ્રમના ભક્તો માટે “શ્વાસની કસરતો અને વેનિસ ડ્રેનેજ વધારતી કસરતનું મહત્વ” વિષય પર ડૉ. નિશાંત તથા ડૉ. સુરેશ તેજવાણી દ્વારા મફત આરોગ્ય જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આશ્રમના પહેલા માળે ફિઝિયોથેરાપી, આયુર્વેદિક અને હોમિયોપેથી ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે જેથી ગરીબ દર્દીઓને ખૂબ જ નજીવી રકમમાં સારવાર મળી શકે. આ સેવાભાવી કાર્યમાં ડૉ. હિમા ખંભાતી સાંજે 4:30 થી 7:30 દરમિયાન દર્દીઓની સારવાર માટે આશ્રમમાં તેમની સેવા આપે છે. ત્યારે આવી સેવાકીય પ્રવૃતિ દ્વારા પ્રેમ પ્રકાશ આશ્રમે આશ્રમના ભક્તોને આધ્યાત્મિકતા સાથે સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.