પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો
- લોકડાઉન વેળા છૂટછાટના સમયગાળામાં સલાબતપુરા પોલીસે રોન્ગ સાઈડે જતી કારના ચાલકને રોકતાં ઘર્ષણ થયું હતું, પોલીસે ફરજમાં રૂકાવટ તેમજ પોલીસ સાથે ગાળાગાળી સબબનો ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી
- સુરતના વિદ્વાન એડવોકેટ ધર્મેન્દ્ર કે. માટલીવાલાએ પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ત્રુટિઓ શોધી, કોર્ટ સમક્ષ ધારદાર દલીલ કરતાં, કોર્ટે ફરિયાદ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી કારચાલકને નિર્દોષ ઠરાવતો હુકમ કર્યો
કોવિડ-19ના લોકડાઉન વેળા સરકારી તંત્રએ કામ-ધંધા શરૂ કરાવવા છૂટછાટ જાહેર કરી હતી. આ સમયગાળા દરમિયાન એક કારચાલકને સલાબતપુરા પોલીસે રોન્ગ સાઈડ કાર હંકારતા ઝડપી પાડ્યો હતો. જો કે બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે કારચાલક યુવકની, પોલીસ સાથે ગાળાગાળી તેમજ ફરજમાં રૂકાવટના ગુનામાં ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
વિગતો એવી છે કે કોરોનાના રોગચાળામાં શરૂઆતમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું હતું. જો કે હળવાશ અને કામધંધા શરૂ કરાવવા માટે સરકારે સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી છૂટછાટ જાહેર કરી હતી. આ સમયગાળા દરમિયાન વત્સલ મહેશભાઈ જોગાણી નામના યુવક પોતાની કાર લઈને સહરા દરવાજાથી ઉધના દરવાજા તરફ આવતાં, ડો. આંબેડકર સાહેબના પૂતળાથી કાર નીચે ઉતારી રોન્ગ સાઈડ જઈ રહ્યાં હતાં. આ વેળા સલાબતપુરા પોલીસે કારને આંતરીને યુવકની પૂછપરછ શરૂ કરી હતી. જો કે બંને પક્ષ વચ્ચે રકઝક થઈ હતી, જેથી પોલીસે કારને ઓવરસ્પીડમાં હંકારવા, રોન્ગ સાઈડ હંકારવા, પોલીસ સાથે ગાળાગાળી કરવા ઉપરાંત પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં યુવકને સલાબતપુરા પોલીસ મથકે લઈ જઈ તેની અટકાયત કરી હતી. પોલીસે નામદાર કોર્ટમાં આ ગુના અંગેની ચાર્જશીટ પણ સબમિટ કરી હતી.
દરમિયાન વત્સલ મહેશભાઈ જોગાણીએ પોતાના બચાવ માટે વિદ્વાન વકીલ ધર્મેન્દ્ર કે. માટલીવાલાને રોક્યા હતાં. ધર્મેન્દ્ર કે. માટલીવાલાએ આરોપી તરફે કોર્ટમાં કેસ લડ્યો હતો. જેમાં કેસમાં રહેલી ત્રુટિઓ વિષે નામદાર કોર્ટનું ધ્યાન દોરી, ધારદાર દલીલો કરી હતી. નામદાર કોર્ટે આરોપી પક્ષના વકીલ ધર્મેન્દ્ર કે. માટલીવાલાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વત્સલ મહેશભાઈ જોગાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.