પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ફ્રી સર્વિસ મળતી ન હોવા અંગે કરાઈ રજુઆત
આજે મોટાભાગના ઘરોમાં વ્હિકલ્સ છે જેથી સમયાંતરે તેમાં પેટ્રોલ ભરાવવાની જરુર પડતી હોય છે અને સાથે જ વાહનોના ટાયરમાં હવા પણ ચેક કરાવીને ભરાવવી પડતી હોય છે. જો કે વારંવાર પેટ્રોલ અને હવા ભરાવવા જતાં વાહન ચાલકો પૈકી કેટલાંક લોકોને એ ખબર નહિ હોય કે, પેટ્રોલ પંપો દ્નારા કેટલીક સર્વિસ ફ્રીમાં આપવાની હોય છે. જેમકે, પીવાનું સ્વચ્છ પાણી,શૌચાલય,ફોન,ફર્સ્ટ એડ કીટ તથા ક્વોલિટી ચેક.
પેટ્રોલ પંપના માલિક આ તમામ સુવિધાઓ ગ્રાહકોને વિના મૂલ્યે આપવા બંધાયેલા છે પરંતુ ઘણી જગ્યાઓએ આ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે આ અંગે નવસારીના એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. નવસારી શહેરના નાગરિક રાકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે,’પેટ્રોલ પંપ ધારકો પુરતી સુવિધા આપતાં નથી અને ખાસ કરીને હવા ભરાવવા જાઓ ત્યારે મશીન નથી કે ખરાબ હોવાનું બહાનું બતાવે છે અને બાજુમાં આવેલાં પંચરવાળા પાસે હવા ભરાવવાનું જણાવે છે. જો કે તપાસ કરતાં આ પંચરવાળાને પેટ્રોલપંપ ધારક દ્વારા જ પંપની જગ્યામાં કેબિન બનાવીને ભાડે આપવામાં આવી હોવાની હકીકત સામે આવી છે.’ ત્યારે 100 રુપિયાના પેટ્રોલ સામે 10 રુપિયાની હવા ભરાવનાર ગ્રાહક પાસે લૂંટ ચલાવાઈ રહી છે જેથી આવા પેટ્રોલ પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરીને સામાન્ય જનતાને ન્યાય આપવા રજુઆત કરી છે.