પતિ દુબઈ ફરવા ન લઈ જતાં પત્નિએ માર્યો મુક્કો: પતિનું મોત
પતિ દ્વારા પત્નિ પર હાથ ઉપાડવાના કિસ્સાઓ તો વારંવાર સામે આવતા જ રહે છે પરંતુ ઘણાં ઓછા કિસ્સાઓ એવા સાંભળવા મળે છે જેમાં પત્નિઓ પતિ પર હાથ ઉપાડ્યો હોય. ત્યારે મહારાષ્ટ્રના પુનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પત્નિની બર્થડે પર દુબઈ લઈ જવાની ઈચ્છા પૂરી ન કરનાર પતિને એવો મુક્કો માર્યો કે તેના નાક પર જોરથી ઈજા થયા બાદ પતિ બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મહારાષ્ટ્રના પુનામાં બનેલી આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ મૃતક નિખિલ ખન્ના રિયલ એસ્ટેટ ડેવલપર હતો. મૃતકની પત્ની રેણુકા (36)નો 18 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. તે આ જન્મદિવસ મનાવવા માટે દુબઈ જવા ઈચ્છતી હતી. પરંતુ તેના પતિએ આ માંગણી પૂરી કરી નહીં. આખરે તેણે પતિના મોઢા પર કથિત રીતે મુક્કો માર્યો. જેનાથી તેનું મોત થઈ ગયું. આ ઉપરાંત પાંચ નવેમ્બરે તેમના લગ્નની વર્ષગાંઠ પણ હતી અને તેને પતિ પાસેથી મોંઘી ભેંટની આશા હતી. આ સિવાય મહિલા તેના સંબંધીઓના જન્મદિવસ પર દિલ્હી જવા માંગતી હતી. પરંતુ પતિએ આ માંગણી પણ પૂરી કરી ન હતી. આ વાતોને લઈને શુક્રવારે દંપત્તિ વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને મહિલાએ પતિને નાક પર મુક્કો મારી દીધો. જેના કારણે ખુબ લોહી વહેવા લાગ્યું હતું અને તે બેહોશ થઈ ગયો. બાદમાં પાડોશીએ જણાવ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિત પતિને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
આ મામલે પોલીસ મહિલાની હાલ અટકાયત કરીને મામલાની તપાસ કરી રહી છે ત્યારે પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 302 (હત્યા) હેઠળ મામલો નોંધ્યો છે.