નેપાળમાં ભૂકંપથી 6નાં મોત, ઉત્તર ભારત પણ હચમચી ઉઠ્યું, ફફડાટનો માહોલ
મંગળવારે રાત્રે 8.52 વાગ્યે 4.9, 9.41 વાગ્યે 3.5નો અને મોડી રાત્રે 1.57 વાગ્યે 6.3ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ નેપાળમાં જમીનથી પાંચ કિ.મી. નીચેઃ નેપાળના ડોતી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં 6નાં મોત, પારાવાર નુક્સાનઃ ઉત્તર ભારતના સાત રાજ્યોમાં આંચકા અનુભવાયા
મંગળવારની મોડી રાત્રે ધરતી ફરી ધણધણી ઉઠી હતી અને 6.3ની તીવ્રતાના દસેક સેકન્ડ સુધી ચાલેલા આંચકાએ ઉત્તર ભારત તેમજ નેપાળને હચમચાવી મુક્યું હતું. હકીકતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું અને ત્યાં ડોતી જિલ્લામાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઉત્તર ભારતના સાતેક રાજ્યોમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતાં ભયનો માહોલ ફરી વળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારની રાત્રે 8.52 કલાકે 4.9ની તીવ્રતાના જ્યારે 9.41 વાગ્યે 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ત્યારબાદ મોડી રાત્રે 1.57 વાગ્યે 6.3ની તીવ્રતાનો એક ભૂકંપ નોંધાયો હતો જે દસેક સેકન્ડ સુધી ચાલ્યો હતો. જેની અસર તળે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતાં. દરમિયાન એવું જણાવાયું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના પિથોરાગઢથી 90 કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં નેપાળમાં જમીનથી પાંચ કિ.મી. નીચે હતું.
ભૂકંપની સૌથી વધુ અસર પણ નેપાળમાં થઈ હતી અને પારાવાર નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન ડોતી જિલ્લામાં એક મકાન ભૂકંપને કારણે ધરાશાયી થઈ ગયું હતું, જેમાં કાટમાળ હેઠળ દબાઈને 6 લોકોનાં મોત થયાની વિગતો જાણવા મળી રહી છે. આફ્ટરશોક તરીકે આજે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પણ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે ઉત્તર ભારતના સમગ્ર રાજ્યોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.