સુરતમાં તાપી નદીનું પાણી ગંદુ, દુર્ગંધ મારતું થઈ ગયું
- કોઝવે કે જ્યાંથી શહેરીજનો માટે પીવાનું પાણી મેળવાય છે ત્યાં બદતર સ્થિતિ
- પાણીનો રંગ લીલો થઈ ગયો, દુર્ગંધ એટલી મારે કે કોઝવે પરથી પસાર થવું મુશ્કેલ
- શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે એવી ચિંતા
- પર્યાવરણપ્રેમીની ફરિયાદ બાદ પાલિકા હવે કાર્યવાહી કરે તેવી આશા
સૂર્યપુ્ત્રી તાપી નદી બારમાસી નદીની ગણનામાં આવે છે અને દાયકાઓ કે સદીઓથી પવિત્ર તાપી નદીના સ્વચ્છ, નિર્મળ જળે સુરત શહેરની તરસ છીપાવી છે, સમૃદ્ધિ અર્પી છે. પરંતુ તાપી નદી ઉપર કોઝવે બનાવ્યા બાદ તાપી નદીનું પાણી બંધિયાર થયું છે અને વર્ષોથી કોઝવે નજીક તાપીનું પાણી દુષિત થતું હોવાની, દુર્ગંધ મારતું હોવાની ફરિયાદો સામાન્ય થઈ પડી છે.
આમ તો આવી ફરિયાદો મોટાભાગે ઉનાળાના દિવસો દરમિયાન આવતી હોય છે પરંતુ શિયાળાના પ્રારંભે જ સ્થિતિ બદતર થયાની ફરિયાદ મળતાં શહેરીજનોમાં પણ ચિંતા પેંઠી છે. એમ. એચ. એમ. શેખ નામના એક પર્યાવરણપ્રેમીએ ગઈકાલે તાપી નદીના વિયર કમ કોઝવે પર જઈને પારદર્શક બોટલમાં પાણીના નમૂના લઈ ફોટા પડાવ્યા હતાં. પાણી અત્યંત દુષિત થયું હોવાને કારણે તેનો રંગ એકદમ લીલો થઈ ગયો છે. એટલું જ નહીં, પાણી સતત દુર્ગંધ મારી રહ્યું છે. જેથી શેખે ત્યાંથી જ ફોટોગ્રાફ્સ, વીડિયો તેમજ આ અંગેની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ ચેરમેનને મોકલ્યા છે. પાલિકા દ્વારા પણ પ્રતિસાદ અપાયો છે અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.
હકીકતમાં વિયર કમ કોઝવે નજીક ઉનાળાના દિવસો દરમિયાન બંધિયાર પાણીનો રંગ બદલાવા કે તે દુર્ગંધ મારતું હોવાની ફરિયાદો સામાન્ય રીતે ઉઠતી હોય છે. કારણકે સતત ગરમીને પગલે પાણીનું બાષ્પીભવન થાય છે અને તેને કારણે કાદવ-કીચડ સાથેની ગંદકી વધે છે. પરંતુ આ વખતે હજુ તો શિયાળો શરૂ થયો છે ત્યારે જ આવા પ્રકારની ફરિયાદો ઉઠી છે, જે ગંભીર ગણી શકાય.
બીજી ખાસ વાત એવી પણ છે કે તાપી નદીમાં વિયર કમ કોઝવેના ઉપરના ભાગે કેટલાક આઉટલેટ્સ છે, જેના દ્વારા ગંદુ, મલિન પાણી તાપી નદીના પાણીમાં ભળે છે. તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટ દરમિયાન આવા આઉટલેટ્સ બંધ કરી, દુષિત પાણીને શુદ્ધ કરી, ત્યારબાદ જ તેને તાપી નદીના પાણીમાં છોડવાનું આયોજન છે, પરંતુ આ પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ થયો નથી. ત્યારે આવી ફરિયાદો હજુ આવતી રહે તો નવાઈ નહીં. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોઝવેના ઉપરના ભાગમાં કેટલાક એવા પ્રોજેક્ટ્સ, મકાનો, વસાહતો છે, જેમનું પણ દુષિત, મલિન પાણી ગેરકાયદે રીતે તાપી નદીમાં છોડવામાં આવે છે, જે પણ ગંદકીમાં સતત વધારો કરે છે.
સુરતની અંદાજે 60 લાખ જેટલી વસતિ તેમજ વેપાર-ઉદ્યોગોને પાણી પુરૂં પાડવા માટે તાપી નદી ખૂબ મહત્વપૂર્ણ છે. શહેરભરમાં પુરૂં પડાતું મોટાભાગનું પાણી કોઝવેના તાપી નદીના પાણીના સ્ત્રોતમાંથી જ મેળવવામાં આવે છે. ત્યારે જો કોઝવેનું પાણી દુષિત થાય, તે અંગેની યોગ્ય કાળજી રાખવામાં નહીં આવે તો શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.