કેજરીવાલની હત્યાનું ષડ્યંત્ર, ભાજપ સાંસદ મનોજ તિવારીની ધરપકડની માંગ
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી પંચને લેખિત ફરિયાદ આપી, પોલીસ ફરિયાદની પણ તૈયારીઃ મનોજ તિવારીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં કેજરીવાલને માર મરાશે તેવી શંકા વ્યક્ત કરી હતીઃ આપના નેતાઓએ ભાજપ સામે હત્યાના ષડ્યંત્રની આશંકા વ્યક્ત કરતાં રાજકારણમાં ગરમાટો
ગુજરાત અને દિલ્હીમાં ચૂંટણીના પ્રચારના ધમધમાટ સાથે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. દિલ્હીના ભાજપ સાંસદ મનોજ તિવારી સામે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પંચને એક ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કેજરીવાલની હત્યાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે અને મનોજ તિવારીની ધરપકડ કરી આ ષડ્યંત્રની તલસ્પર્શી તપાસ કરવામાં આવે. આપ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
હકીકતમાં દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ પોતાના ટીવી એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરવામાં આવે, કારણકે તેમને માર પડે તેમ છે. તિવારીએ કહ્યું કે તેમને કોઈ માર મારશે, આંખો ફોડી નાંખશે, હાથપગ તોડી નાંખશે. ટીવી એન્કરના પ્રશ્નના જવાબમાં તેમણે એવો દાવો કર્યો હતો કે દિલ્હી એમસીડી ચૂંટણીમાં ટિકિટ ગોટાળા મુદ્દે આપના એક નેતાએ દોઢ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો અને તેને આપના જ કાર્યકરોએ માર માર્યો હતો.
હવે જ્યારે અરવિંદ કેજરીવાલે આપના તે નેતાને હજુ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા નથી, કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે ખુદ આપના કાર્યકરોમાં જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. જેથી લોકો કેજરીવાલ ઉપર હુમલો કરે, તેમને મોટું શારીરિક નુક્સાન પહોંચાડે તે પૂર્વે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે.
તિવારીના આ નિવેદનથી આમ આદમી પાર્ટી છંછેડાઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ એવો દાવો કર્યો છે કે કેજરીવાલની હત્યાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે, તેવું મનોજ તિવારીના નિવેદનથી લાગી રહ્યું છે. જેથી મનોજ તિવારીની ધરપકડ કરવામાં આવે અને તેમની સઘન પૂછપરછ કરી કેજરીવાલની હત્યાના ષડ્યંત્રની માહિતી મેળવી તેને વિફળ બનાવવામાં આવે.
આ સંદર્ભે જ આજે આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજ સહિત પાંચેક ધારાસભ્યો દિલ્હી ચૂંટણી પંચ કાર્યાલય પહોંચ્યા હતાં અને ચૂંટણી કમિશનરને મળીને એક લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદમાં મનોજ તિવારીની ધરપકડની માંગ કરવામાં આવી છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે મનોજ તિવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઈ હોવાની પણ વાત કહેવામાં આવી છે.
નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં વિધાનસભાની જ્યારે દિલ્હીમાં એમસીડીની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપ સાંસદ મનોજ તિવારીના નિવેદન મુદ્દે મોટો ભડકો થયો છે અને આગામી દિવસોમાં પણ આ મુદ્દો વધુ પેચિદો બને તેવું લાગી રહ્યું છે.