ટાઈમ મેગેઝિનમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતીય મૂળના 9 સામેલ
ટાઇમ મેગેઝિન દ્વારા પર્યાવરણ જાળવીને બિઝનેસ કરતાં દુનિયાના 100 સૌથી વગદાર આગેવાનોની યાદીમાં ભારતીય મૂળના અમેરિકનો તથા ભારતીયોને એમ કુલ 9 જણાને સ્થાન અપાયુ છે.
યુએસના જાણીતા સામયિક TIME દ્વારા આ યાદી જારી કરવામાં આવી છે જેમાં દુનિયાભરમાંથી સીઇઓ, સંગીતકારો, સ્થાપકો, દાનવીરો અને અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સ્થાન પામનારાં ભારતીયોમાં ધ રોકફેલર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ રાજીવ જે શાહ, બોસ્ટન કોમન એસેટ મેનેજમેન્ટના સ્થાપક અને પ્રેસિડેન્ટ ગીતા ઐયર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી લોન પ્રોગ્રામના ડાયરેક્ટર જીગર શાહ, હસ્ક પાવર સિસ્ટમના સહસ્થાપક અને સીઇઓ મનોજ સિંહા, કૈસર પરમેનન્ટના એન્વાર્યનમેન્ટલ સ્ટુઅર્ટશિપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સીમા વાધવા અને મહિન્દ્ર લાઇફસ્પેસીસના સીઇઓ અને એમડી અમિત કુમાર સિંહાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુએસ પ્રમુખના પર્યાવરણીય સલાહકાર જ્હોન કેરી, બ્રેક થ્રુ એનર્જીના સ્થાપક બિલ ગેટ્સ, ઇટ જસ્ટના જોશ ટેટ્રિક, મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ અને મેકવાયર ગ્રુપના સીઇઓ શેમારા વિક્રમનાયકેને પણ સ્થાન મળ્યું છે.