“ઝુંબેશ દિવસ”માં SMCના મોટોભાગના કર્મચારીઓએ મારી ગુલ્લી: લોકો વીલા મોઢે પરત ફર્યા
દિવાળીના પડતર દિવસની રજાના બદલામાં આજે મનપા કચેરી ચાલું રાખીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નિમિત્તે ખાસ “ઝુંબેશ દિવસ” જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં મોટાભગના કર્મચારીઓ આજે પોતાની ફરજ પર ગેરહાજર રહ્યા હતા ત્યારે મનપામાં કામ અર્થે આવતા લોકોને ધક્કા ખાવાની ફરજ પડી હતી. જેથી પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા આ તમામ મનપાકર્મીઓ સામે મ્યુનિસિપલ કમિશ્નર અને જીલ્લા મુખ્ય ચુંટણી અધિકારી એવા કલેકટરને તાત્કાલિક તપાસ કરી આવા “ગુલ્લી” મારનાર મનપાકર્મીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
ગુજરાત સરકારનાં પરિપત્ર મુજબ દિવાળીનાં તહેવારો નિમિત્તે પડતર દિવસ આવતો હોય સુરત મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા તા. ૧૩/૧૧/૨૦૨૩ સોમવારનાં રોજ રજા જાહેર કરવામાં આવેલ અને આ રજાનાં બદલામાં આજે તા. ૯/૧૨/૨૦૨૩ સપ્તાહનાં બીજા શનિવારની જાહેર રજાને રદ્દ કરવામાં આવેલ એટલે આજ રોજ સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ હોવા છતાં ૫૦% કરતા વધુ મનપાકર્મીઓએ ફરજ પર રીતસરની “ગુલ્લી” મારી છે.મનપાની તમામ કચેરીઓમાં મનપા કર્મીઓની ગેરહાજરીનાં કારણે હાલ કાગડા ઉડી રહ્યા છે અને લોકો કામ અર્થે આવ્યા હોય તો એમને વિલા મોઢે પાછા ફરવાની ફરજ પડી રહી છે.
ઉલ્લેખનિય છે કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રજાનાં દિવસોમાં આયોજન થતું હોય તેમ છતાં આજ રોજ સરકારી તંત્રનાં એકબીજા વિભાગ સાથે યોગ્ય સંકલનનાં અભાવે ચાલુ દિવસ જાહેર થવા છતાં મતદાર યાદી સુધારણા નિમિત્તે ખાસ ” ઝુંબેશ દિવસ” જાહેર કરીને મનપા કર્મીઓને ફરજીયાત મતદાર યાદી સુધારણામાં હાજર રખાવીને મનપામાં કામ અર્થે આવતા લોકોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.