જામનગરમાં સપડા ડેમમાં નહાવા ગયેલા 5ના મોત
જામનગરના સપડા ડેમમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જામનગરથી સપડા ડેમ ખાતે એક જ પરિવારના ત્રણ લોકો સહિત 5 લોકો ન્હાવા ગયા હતા જેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા અને ડૂબી ગયા હતા. પાંચેયના આ ઘટનામાં મોત નીપજ્યા છે. જેમાં બે મહિલા અને 3 પુરુષોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં એક જ પરિવારના 3 અને 2 પાડોશી સહિત 5 લોકો સપડા ડેમમાં ન્હાવા ગયા હતા. જેઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને પાંચેય જણાં ડુબી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોએ જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ સપડા ડેમ પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ તમામ લોકો પૈકી 2 મહિલા અને 3 પુરુષોના મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યાની ઘટના જાણ થતાં જ તંત્રની ટીમો અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 મહિલા અને 3 પુરૂષોના મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે ખસેડાયા છે.
એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. ફરવા ગયેલા પરિવારજનો પરત ન ફરતાં સ્વજનો પર આભ તુટી પડ્યું છે. આ ગોઝારી દુર્ઘટનાની જાણ થતાં તેમના ઘરે સ્વજનો સહિતના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.