સુરતમાં ST એ શરૂ કરી નવી બસ સેવા: ગૃહ રાજ્યમંત્રીએ આપી લીલીઝંડી
સુરતીઓ અને સુરતની બહારથી આવેલા લોકોને સગવડ મળી રહે એ માટે સુરત શહેરમાં એસટી વિભાગ દ્વારા 40 નવી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ આ નવી બસને લીલીઝંડી આપીને એસટી બસમાં મુસાફરીનો આનંદ પણ માણ્યો હતો.
એસટી વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનામાં 900 જેટલી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 360 બસ સુરતથી શરૂ કરવામાં આવી છે. જેમાં ફરીથી આજે નવી 40 બસ શરૂ કરવામાં આવી હતી. આ બસને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લીલીઝંડી આપી હતી જેમાં શહેરના કાર્યકર્તા અને એસટી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી સહિત ધારાસભ્યોએ બસમાં કરેલી મુસાફરી દરમિયાન ગૃહ રાજ્યમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો અને બસમાં હિન્દી ફિલ્મી ગીતોની મહેફિલ પણ જમાવી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એસ ટી વિભાગ આવનારા વર્ષમાં 2 હજાર જેટલી નવી બસ સેવા શરૂ કરશે. જે પ્રકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોની માંગ છે તે અનુરૂપ રૂટની બસો શરૂ કરવામાં આવશે. હાલના તબક્કે બસોનું કાર્ય શરૂ છે. તેમજ રૂટ પ્લાનિંગ ચાલી રહ્યું છે. જે મુજબ થોડા જ સમયમાં સૌરાષ્ટ્ર તરફની બસ શરૂ થઈ જશે.