ગુજરાતમાં આપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર
કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરીઃ 16.48 લાખ રિસ્પોન્સ પૈકી 73 ટકાએ ઈશુદાનને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પસંદ કર્યાં
ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની ચુકી છે. ત્યારે આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરી દીધું છે.
કેજરીવાલે આજે આ જાહેરાત કરવા સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં તેમણે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે લોકો પાસે અભિપ્રાય માંગ્યા હતાં. આમ આદમી પાર્ટીને 16,48,500 જેટલા અભિપ્રાય મળ્યા હતાં, જે પૈકીના 73 ટકા લોકોએ મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ઉપર કળશ ઢોળ્યો હતો.
10 જાન્યુ. 1982ના રોજ જન્મેલા ઈશુદાન ગઢવી જાણીતી ટીવી ચેનલોમાં અગ્રણી હરોળનું કામ કરી ચુક્યા છે. પત્રકારત્વ ઉપરાંત માસ કોમ્યુનિકેશનની તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને 14 જૂન 2021માં તેમણે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજકારણમાં આમ આદમી પાર્ટીમાં ઝંપલાવ્યું હતું.