ગુજરાતની નવી સરકારમાં 16 મંત્રીઓ, 6 નવા ચહેરા સમાવાયા
સવારે ભપકાદાર શપથવિધિ સમારોહ બાદ સાંજે કેબિનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણીઃ મંત્રીમંડળમાં 7ને રીપિટ કરાયા, 6 નવા ચહેરાને સ્થાન અપાયુંઃ દક્ષિણ ગુજરાતનું વર્ચસ્વ દેખાયું, અસંતોષનો ગણગણાટ પણ શરૂ
ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો જીત્યા બાદ આજે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિનો ભપકાદાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતાં. તેમની સાથે જ અન્ય 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે ગોપનીયતાના શપથ લીધાં હતાં.
આમ નવી સરકારનું હાલનું કદ 16 મંત્રીઓનું બન્યું છે અને શક્યતા છે કે આગામી સમયમાં મંત્રીમંડળનું કદ વધારવામાં આવે. અલબત્ત હાલના મંત્રીમંડળમાં 6 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જેમાં કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, મુળૂભાઈ બેરા, પ્રફુલ્લ પાનસેરિયા, ભાનુબેન બાબરિયા અને ભીખુસિંહ પરમારનો સમાવેશ કરાયો છે. જે સાત મંત્રીઓને રીપિટ કરાયા છે તેમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, ડો. કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા અને રાઘવજી પટેલનો સમાવેશ કરાયો છે. અન્ય ત્રણ મંત્રીઓ પુરૂષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા અને બચુભાઈ ખાબડ અગાઉની વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. પુરૂષોત્તમ સોલંકી અને બચુભાઈ ખાબડ તો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારમાં પણ મંત્રીપદે રહી ચુક્યા છે. આમ નવા ચહેરા ઉપરાંત અનુભવી સભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અલબત્ત નવી સરકારમાં દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ વધ્યું હોવાની વાત ઉડીને આંખે વળગે તેવી રહી છે. જેમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ સહિત પાંચ સભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. તો 11 જેટલા જુની સરકારના મંત્રીઓના પત્તા કપાતાં અસંતોષનો ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે.