ગાંધીનગરના શ્રમિકે 1-1 રૂપિયાના સિક્કાથી રૂ. 10 હજાર ડિપોઝીટ ભેગી કરી ઉમેદવારી નોંધાવી
ઉત્તરની બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા કોથળામાં રૂ. 10 હજારના સિક્કા લઈને ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યોઃ રોજનું કમાઈને ખાનારો શ્રમિક, પડોશી-પરિચિતો પાસેથી પૈસા ઉઘરાવ્યાઃ ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલના રિનોવેશન માટે ઉમેદવાર સહિત 521 લોકોના ઝૂંપડા તોડી પડાયા હતાંઃ ઘરવિહોણાં થયેલાઓને મકાન બનાવી આપવાનું વચન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર શહેરની ઉત્તર બેઠક ઉપરથી એક શ્રમજીવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમણે ચૂંટણીના નિયમ મુજબ રૂ. 10 હજારની ડિપોઝીટ ભરવા માટે 1-1 રૂપિયાના 10 હજાર સિક્કા ભરેલો કોથળો ચૂંટણી અધિકારીને સોંપ્યો હતો. ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલના રિનોવેશન માટે ઉક્ત ઉમેદવાર સહિત 521 લોકોના મકાનો, દુકાનો તોડી પડાયા હતાં, જેનો વસવસો તેમને છે. જેથી ઉમેદવારે વચન આપ્યું છે કે હું ચૂંટણી જીતીશ તો તમામ ઘરવિહોણાંને મકાન બનાવી આપીશ.
મૂળ પાટણના વતનિ અને છેલ્લા કેટલાક વર્ષોથી પરિવાર સાથે ગાંધીનગરમાં સ્થાયી થયેલા મહેન્દ્ર પટણીએ, ગાંધીનગર શહેરની ઉત્તર બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. મહેન્દ્ર રોજનું કમાઈને ખાનારા શ્રમજીવી છે અને તેથી ચૂંટણી લડવાનું તેમના માટે ઘણું અઘરૂં હતું. પરંતુ પડોશીઓ અને પરિચિતોને વાત કરી તેમણે રૂ. 1-1ના સિક્કા ઉઘરાવવા શરૂ કર્યાં. ત્રણેક દિવસના આંટા-ફેરા બાદ તેમની પાસે રૂ. 1-1ના 10 હજાર સિક્કા ભેગા થઈ ગયા હતાં. ઉમેદવારી માટે બેન્ક એકાઉન્ટ પણ જરૂરી હોવાથી તેમણે બેન્ક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવું પડ્યું છે. છેવટે 1 રૂપિયાના 10 હજાર સિક્કા ભરેલો કોથળો લઈ તેઓ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા હતાં અને ઉત્તર બેઠક પરથી તેમની ઉમેદવારી ફાઈનલ કરી હતી.
પટણીએ આ અંગે પત્રકારોને જણાવ્યું છે કે ગત 2019માં ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ નજીકમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલની કાયાપલટ કરવા માટે સરકારે 521 જેટલા મકાનો-દુકાનો જેવા દબાણ તોડી પાડ્યા હતાં, જે પૈકી એક ઘર તેમનું પણ હતું. સરકારની આ કાર્યવાહીથી ઘણાં લોકો ઘરવિહોણાં થઈ ગયા અને અનેક લોકોના કામધંધા પણ બંધ થઈ ગયા હતાં. જેથી હવે પટણીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને સાથે જ વચન આપ્યું છે કે ગાંધીનગરમાં જે ગરીબ શ્રમજીવીઓના મકાનો-દુકાનો તોડાયા છે તેમને હું મકાન બનાવી આપીશ.