યુપીમાં ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના જ બે જૂથો બાખડ્યા
આપસી રંજિશ, ભેદભાવ મિટાવી એકસંપ કરવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ, પરંતુ કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે ખુલ્લી મારામારીનો મુદ્દો ચર્ચાની એરણેઃ યુપી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કૌશાંબીમાં યાત્રાનું આયોજન કરાયું હતુંઃ યાત્રામાં પ્રદેશ પ્રભારી અજય રાયની સાથે રહેવાની જીદમાં પથ્થરમારો, લાઠીઓ ઉછળી અને ફિલ્મી સ્ટાઈલથી ફાઈટિંગ થઈ
રાહુલ ગાંધી દેશના વિવિધ રાજ્યો, ક્ષેત્રોમાં ફરીને દેશમાં સંપ, શાંતિ લાવવાના પ્રયાસમાં છે. ભારત જોડો યાત્રા નામ સાથે તેમણે દેશની એકતા અને અખંડિતતાનું બીડું ઝડપ્યું છે. જો કે યુપીમાં સ્થાનિક કક્ષાએ યોજાયેલી ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે ફિલ્મી સ્ટાઈલથી જોરદાર ફાઈટિંગ થઈ હતી.
વાત એમ છે કે યુપી પ્રદેશ કોંગ્રેસ કમિટિ દ્વારા રાજ્ય કક્ષાની ભારત જોડો યાત્રાનું આયોજન આજે કૌશાંબી જિલ્લામાં ભરવારી નગરપાલિકામાં સમાવિષ્ટ રોહી બાયપાસથી ભરવારી કસ્બા સુધીની યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા રોહી બાયપાસથી ભરવારી રેલવે ફાટક પાસે પહોંચી ત્યારે પ્રદેશ કોંગ્રેસ કમિટિના સભ્યો અને પ્રયાગરાજ હટવાના પૂર્વ પ્રધાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.
વાત એમ હતી કે બંને જૂથોની એવી જીદ હતી કે ભારત જોડો યાત્રામાં તેઓ પ્રદેશ પ્રભારી રાજીવ રાયની સાથે ચાલશે. જો કે જીદે ચઢેલા બંને જૂથો વધુ આક્રમક બન્યા હતાં અને વાત મારામારી સુધી પહોંચી હતી. ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના જ સભ્યો એકબીજીના ખૂનના પ્યાસા થઈ ગયા હતાં. સામસામે ઢીકમુક્કીનો માર, લાતમલાત શરૂ થયા હતાં. કોંગ્રેસીઓ પોતાના જ સહકાર્યકરોને દોડાવી દોડાવીને મારી રહ્યાં હતાં. લાઠી કે દંડા જે પણ હાથમાં આવ્યું તેનાથી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં બંને જૂથો વચ્ચે સામસામો પથ્થરમારો પણ થયો હતો.
પોલીસ અને અગ્રણીઓની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો છે. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને હાલ બે કોંગ્રેસીઓની ધરપકડ કરી છે. જો કે ભારત જોડો યાત્રામાં કોંગ્રેસીઓ વચ્ચે જ થયેલી મારામારીની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે અને લોકો કટાક્ષ કરવા લાગ્યા છે.