October 31, 2024

ઓલ ઈન્ડિયા લોયર્સ કાઉન્સિલ ગુજરાત પાંખ દ્વારા અમદાવાદનાં વકીલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે સેક્રેટરી જનરલ એઆઈએલસી (સેન્ટ્રલ) એડવોકેટ સરફોદ્દીન શેખ તથા ખાસ મહેમાન તરીકે એડવોકેટ એમ.એમ. અનારવાલા, એડવોકેટ સોહેલ તિરમીજી, એડવોકેટ ઈકબાલ શેખ, એડવોકેટ કે.આર. કોસ્ટી અને બાર કાઉન્સિલના સભ્ય તેમજ સાહસિક એડવોકેટ પરેશ વઘેલા જેવા નામાંકિત વકીલો હાજર રહ્યા હતા.

અમદાવાદ ઃ દાણીલીમડાના પટેલ મેદાન ખાતે આવેલ આસિયા સ્કૂલમાં ઓલ ઈન્ડિયા લોયર્સ કાઉન્સિલ ગુજરાત પાંખ દ્વારા અમદાવાદનાં વકીલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. જેનો મુખ્ય હેતુ વકીલોને વર્તમાન પરસ્થિતિથી વાકેફ કરવું અને વર્તમાન પરિસ્થિતિમાં વકીલોની ભૂમિકા ઉપરાંત વકીલોમાં વર્તમાન પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ સાથે પોતાનાં મંતવ્ય રજૂ કરવાની મક્કમતા આવે તે હતું. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા લોયર્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ એડવોકેટ સરફુદ્દીન શેખ દિલ્હીના મુખ્ય મહેમાન પદે યોજાયો. જેમાં ખાસ મહેમાન તરીકે અમદાવાદનાં નામાંકિત વકીલો સાથે અમદાવાદનાં નામાંકિત આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં એમ.એમ. અનારવાલા (રીટાયર્ડ આઈ.જી. ગુજરાત પોલીસ) એડવોકેટ સોહેલ તિરમીજી (એડીટર ગુજરાત ટુડે), ઈકબાલભાઈ શેખ (ભૂતપૂર્વ સભ્ય સેન્ટ્રલ ગર્વમેન્ટ કાઉન્સિલ હાઈકોર્ટ, ગુજરાત) અને ગુજરાત હાઈકોર્ટના નામાંકિત સામાજિક આગેવાન અને એડવોકેટ કે.આર. કોસ્ટી હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ગુજરાત પાંખના પ્રમુખ અને અમદાવાદનાં નામાંકિત એડવોકેટ તેમજ બાર કાઉન્સિલ ગુજરાતનાં સભ્ય ગુલાબખાન પઠાણ સાહેબે મહેમાનોને આવકારી સ્થાન ગ્રહણ કરાવ્યા બાદ રાષ્ટ્રગીત સાથે શરૂ કરવામાં આવી હતી. પ્રણાલી મુજબ હાજર મહેમાનોને એઆઈએલસી ગુજરાત પાંખ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મહેમાનો ઉપરાંત શહેરનાં નામાંકિત વકીલોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા અને હાજર વકીલોને પોતાની લાક્ષણિક અદાઓમાં સંબોધન કર્યું હતું. અમદાવાદના નામાંકિત એડવોકેટ અને બાર કાઉન્સિલ ગુજરાતનાં સભ્ય એવા પરેશ વાઘેલાએ પ્રથમ સંબોધન કરતા હાજર વકીલો અને મેદનીની સંવિધાનને આપેલા હક્કોથી પરીચિત કરાવી વકીલ એકતા ઉપર ભાર મુક્યો હતો. ત્યારબાદ એડવોકેટ કે.આર. કોસ્ટી, એડવોકેટ ઈકબાલ શેખ, એડવોકેટ અબરાર અલી સૈયદ (પ્રમુખ સરખેજ રોઝા કમેટી), એડવોકેટ ડાॅ.બતુલ બી. હમીદ (ચેરમેન ઓલ ઈન્ડિયા લોયર્સ કાઉન્સિલ, ગુજરાત પાંખ અને ભૂતપૂર્વ પ્રિન્સીપાલ વીવા લૉ કોલેજ મુંબઈ) જેમને હિજાબને લઈ પોતાની નોકરી છોડવી પડી અને હિજાબ માટે તેમને કેવા-કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, તેમના અધિકારો પર કેવા તરાપ મારવામાં આવ્યા તેનું વર્ણન કર્યું હતું. એડવોકેટ સોહેલ તિરમીજી (તંત્રી ગુજરાત ટુડે)એ વકીલ એકતા ઉપર જાેર આપી વકીલોને હિંમતથી પોતાના અસીલોના પ્રશ્નો સરકાર સમક્ષ મુકવા આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે જાે તમે જ ડરી જશો તો અન્ય કોણ હિંમત કરશે. એટલે વકીલોએ પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ નિડરતાથી મુકે, કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી આપણી ઉપર જ છે એમ જણાવ્યું હતું. એડવોકેટ એમ.એમ. અનારવાલા (રિટાયર્ડ આઈ.જી. ગુજરાત પોલીસ)એ ખૂબ ટૂંકો અને લાક્ષણિક છટામાં શેરો શાયરી સાથે હાજર વકીલોમાં હિંમત કેળવાય અને વર્તમાન પરિસ્થિતિમાં હિંમત વગર વકીલો ટકી શકશે નહીં એમ કહી અલ્લમા ઈકબાલના શેરો સાથે વાતાવરણને ખૂબ રોમાંચિત કરી દીધું હતું. તેઓએ તેમની લાક્ષણિક છટામાં શેરો શાયરી કરી હતી. અંતમાં સંસ્થાના સેક્રેટરી જનરલ દિલ્હી અને અલ્હાબાદ હાઈકોર્ટના સિનીયર એડવોકેટ સરફુદ્દીન એહમદ સાહેબે સંસ્થાનો ચિત્તાર રજૂ કર્યો અને સંસ્થા વકીલો માટે શું કરવા ઈચ્છુક છે, સંસ્થામાં આવનાર તમામ સભ્યો એકસમાન છે કોઈ નાના મોટા નથી બધાએ ભેગા થઈને બંધારણની સાચવણી કરવાની છે અને બંધારણે આપેલા હકો આપણે મેળવીએ અને આપણા અસીલોને હકો અપાવીએ તેમજ આવી રહેલા નવા-નવા કાયદાઓ સામે વકીલોને શિક્ષણ મળી રહે તે માટે સ્પેશિયલ કાયદાઓનું જ્ઞાન આપતા કેમ્પો કરવાનું સંસ્થા વિચારી રહી હોવાનું જણાવ્યું હતું અને સંસ્થાની કાર્યપદ્ધતિથી વાકેફ કર્યા હતા.આ તબક્કે એઆઈએલસી ગુજરાત પાંખ દ્વારા એડવોકેટ સરફુદ્દીન એહમદને મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના નામાંકિત એડવોકેટ અને એઆઈએલસી ગુજરાત પાંખના ડાયનેમિક જનરલ સેક્રેટરી મેહતાબ નાશીર સૈયદ પોતાની લાક્ષણિક અદાઓથી હાજર મહેમાનો અને શ્રોતાઓનું સંસ્થાના આમંત્રણને માન આપી આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે ભોજન લેવા હાજર તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને એઆઈએલસી ગુજરાત પાંખના ડાયનેમિક પ્રમુખ એડવોકેટ ગુલાબખાન પઠાણે ખૂબ અનુભવ અને મીઠા મધુર હાસ્યવર્ધક શબ્દો સાથે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ હસમુખ ચાવડા સહિત એઆઈએલસી ગુજરાત પાંખના તમામ હોદ્દેદારોએ ખૂબ મહેનત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *