એથર કંપની દુર્ઘટના મામલે કામદારોના ન્યાય માટે પુર્વ કોર્પોરેટર દ્વારા કરાઈ રજુઆત
સુરતની એથર કંપનીમાં ઘટેલી આગની દુર્ઘટનાની યોગ્ય તપાસ કરવા અને ભોગ બનેલા કામદારોને યોગ્ય વળતર આપવા માટે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી,સુરત રિજીયન,સુરત ખાતે રજુઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ સુરતનાં સચિન જીઆઈડીસી પ્લોટ નં. ૮૨૦૩ પર એથર ઈન્ડસ્ટ્રીમાં સંચાલકોની ગંભીર બેદરકારીનાં કારણે ભયાનક આગમાં ફાટી નિકળી હતી જેમાં ૨૭ કામદારો ગંભીરપણે દાઝ્યા હતા અને હાલ તેઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જો કે એક કામદારનું મૃત્યુ થયું તેમજ પ્લાન્ટમાં લાગેલ આગ નાં ૪૮ કલાક બાદ અન્ય ૭ કમભાગી શ્રમિક કામદારોનાં કંકાલ સ્થળ પરથી મળી આવ્યા હતા ત્યારે આ સમગ્ર બનાવમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા જણાવાયુ હતુ કે, સંચાલકોની ગંભીર બેદરકારીનાં કારણે હાલ ૮ કમભાગી કામદારો યમસદન પહોંચી ગયા અને અન્ય સારવાર હેઠળનાં ૨૬ કામદારો પૈકી ઘણાં કામદારો જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એથર ઈન્ડસ્ટ્રીની ગંભીર બેદરકારીને ધ્યાને લઈ GPCB દ્વારા હાલમાં પ્લાન્ટને કલોઝર નોટીસ અને રૂ. ૫૦/- લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા થયેલ કાર્યવાહીથી એટલું તો નક્કી છે કે,એથર ઈન્ડસ્ટ્રીનાં સંચાલકો દ્વારા ગંભીર બેદરકારી થઈ છે. આટલી મોટી ગંભીર ઘટના હોવા છતાં આપનું વિભાગ જાણે “શોભા નાં ગાંઠિયા” સમાન હોય એમ સ્પષ્ટપણે હાલ જણાઈ આવે છે.આપના કાર્યક્ષેત્રમાં હોવા છતાં રાજકીય કે અન્ય દબાણમાં આપની કચેરી દ્વારા કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થઈ એનું દુઃખ છે.આગની ઘટનાને આજે છ દિવસ થયા હોવા છતાં સમગ્ર વહીવટી તંત્ર માત્ર તપાસ ચાલે છે નું રટણ કર્યા કરે છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરી શક્યું નથી એ વાસ્તવિકતા છે.આપનું વિભાગ માનવતા નેવે મૂકી કમભાગી કામદારો મૃત્યુ પામ્યા એમને કાયદાકીય ન્યાય અપાવવા કરતા એથર ઈન્ડસ્ટ્રીનાં સંચાલકોને છાવરવામાં અને એમને યેનકેન પ્રકારે ક્લીન ચિટ આપવામાં વધુ વ્યસ્ત છે એવું હાલ લાગે છે જે બાબત સમગ્ર વહીવટી તંત્ર માટે શર્મજનક છે. આ મામલે વધુમાં અસલમ સાયકલવાલા દ્વારા જણાવાયુ હતુ કે, એથર ઈન્ડસ્ટ્રીનાં કામદારો સહિત સદર પ્લાન્ટમાં બનતા કેમિકલ અને બેદરકારીનાં કારણે કેમિકલની આવી ઘટનાથી પ્લાન્ટ અને પ્લાન્ટ સિવાય જેટલા વર્તુળ વિસ્તારમાં કામ કરતા તેમજ રહેઠાણ ધરાવતા લોકોને અસર થતી હોય એ તમામનાં સલામતી અને સ્વાસ્થ્યની જવાબદારી સંપૂર્ણપણે આપના વિભાગની બને છે. જેથી તા. ૨૯/૧૧/૨૦૨૩ નાં મધ્ય રાત્રિ એ સંચાલકોની ગંભીર બેદરકારીનાં કારણે લાગેલ આગની ઘટનામાં તાત્કાલિક ધોરણે પોલીસ ચોપડે સાપરધ માનવ વધનો ગુનો નોંધાય અને કસુરવાર બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિતનાં સંચાલકોને સજા થાય એવી આપની કચેરી દ્વારા તાકીદે કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે તેમજ સદર આગની ઘટનાનાં કારણે એથર ઈન્ડસ્ટ્રીની બાજુમાં આવેલ અન્ય પ્લાન્ટમાં કાટમાળ હઠાવતા સમયે જે શ્રમિક કામદારનું મૃત્યુ થયું છે એ શ્રમિક કામદારનાં પરિવારને એથર ઈન્ડસ્ટ્રીનાં સંચાલકો રૂ. ૫૦ લાખનું વળતર તાત્કાલિક આપે એવું આપની કચેરી દ્વારા આદેશ કરવા વિનંતી છે.