આપમાં મોટું ગાબડું, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં
મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરાતાં ઈન્દ્રનીલ અને રાજભા નારાજ દેખાયા, આમ આદમી પાર્ટીમાં અપેક્ષિત મહત્વ નહીં મળતાં કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ આજે આમ આદમી પાર્ટીને રામરામ કરી ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આપમાં તેમને અપેક્ષિત મહત્વ નહીં મળતાં તેઓ નારાજ હતાં, તો આજે આપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરાતાં ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાટો સતત વધી રહ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીને પ્રોજેક્ટ કર્યાં હતાં. કેજરીવાલના આ પગલાંથી આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણી કાર્યકરો અને ખાસ તો અન્ય પક્ષ છોડીને આપમાં પ્રવેશેલા અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી.
દરમિયાન આજે મોડી સાંજે પૂર્વ કોંગ્રેસી અગ્રણી અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. AICCના ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા ઉપરાંત અન્ય કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે.
અત્રે નોંધનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનું મોટું માથું ગણાય છે. 2012થી 2017 દરમિયાન તેઓ કોંગ્રેસી ધારાસભ્ય હતાં અને વિજય રૂપાણી સામે પણ ચૂંટણી લડ્યાં હતાં. એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટી દ્વારા આવા અનેક મોટા ગજાના નેતાઓ કે જેઓ અન્ય પક્ષ છોડીને આપમાં પ્રવેશ્યા હતાં, તેમને અપેક્ષિત મહત્વ અપાયું ન હતું. રાજભા ઝાલા પણ આવા જ મુદ્દે નારાજ જોવા મળી રહ્યાં છે. હવે રાજ્યગુરૂની કોંગ્રેસમાં એન્ટ્રીથી આમ આદમી પાર્ટીને મોટું નુક્સાન થાય અને આપનું ગણિત ખોરવાય તેવી શક્યતા પણ રાજકીય પંડિતો જોઈ રહ્યાં છે.