November 21, 2024

ગુજરાત વિધાનસભાઃ 89 બેઠકો માટે અંદાજે 59 ટકા મતદાન

ગત ચૂંટણીમાં 68 ટકા મતદાન થયું હતું, ઓછા મતદાનથી ઉમેદવારો, રાજકીય પક્ષો ચિંતિત
મતદાન પ્રક્રિયાની પૂર્ણતાના આરે સાંજે પાંચેક વાગ્યે અનેક મતદાન મથકો ઉપર લાઈનો રહી
સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 72.32 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં 52.73 ટકા
આદિવાસી બેલ્ટની બેઠકો ઉપર ઊંચું જ્યારે સૌરાષ્ટ્ર-સુરતના શહેરોમા નિરસ મતદાન

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત આજે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયા સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ છે અને મોડી સાંજે અંદાજે 59 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત સત્તાવાર આંકડા મોડી રાત્રે જાહેર થવાની શક્યતા છે. ઓછા મતદાનને પગલે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના 19 જિલ્લામાં 89 બેઠકો માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચૂંટણી તંત્રએ સમયસર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના વિના સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું, જેને પગલે લોકો તેમજ સરકારી તંત્રએ હાશકારો લીધો છે.

સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ 89 બેઠકો માટે અંદાજે 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અત્રે નોંધનીય છે કે ગત 2017 વિધાનસભામાં પ્રથમ તબક્કામાં 68 ટકા જેટલું બમ્પર મતદાન થયું હતું. પરંતુ આજે મતદારો નિરૂત્સાહ જણાયા હતાં અને ઓછું મતદાન નોંધાયું છે. નોંધનીય છે કે ગત વર્ષ કરતાં આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ભાજપ સામે એકમાત્ર કોંગ્રેસ સક્ષમ પક્ષ તરીકે હતી. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીનો કરન્ટ જોવા મળી રહ્યો છે. પરિવર્તનના નારા સાથે આપના ઉમેદવારોએ અનેક બેઠકો જીતવાનો દાવો કરતાં સમીકરણો બદલાય તેવી સ્થિતિ છે.

અલબત્ત આવા વાતાવરણ વચ્ચે મતદારોનો મતદાન પ્રત્યેનો નિરુત્સાહ ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોમાં મુંઝવણ ઉભો કરી ગયો છે. ત્રિપાંખીયા જંગની શક્યતા વધુ છે તેવા સુરત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન નોંધાયું તે અકળ બન્યું છે. અલબત્ત હવે તા. 5મીના રોજ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવે તે જરૂરી લાગી રહ્યું છે.

સરકારી આંકડા જોઈએ તો આજે પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટ ગણાતાં તાપી જિલ્લામાં અંદાજે 72.32 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં અંદાજે 52.73 ટકા નોંધાયું છે. અન્ય બેઠકો જોઈએ તો ભરૂચમાં 63.08 ટકા, નર્મદામાં 68.09 ટકા, સુરતમાં 61.71 ટકા, નવસારીમાં 65.91 ટકા, વલસાડમાં 65.24 ટકા, ડાંગમાં 64.84 ટકા, ભાવનગરમાં 57.81 ટકા, બોટાદમાં 57.51 ટકા, દેવભૂમિ દ્વારકામાં 59.11 ટકા, ગીર સોમનાથમાં 60.46 ટકા, જામનગરમાં 53.98 ટકા, જુનાગઢમાં 56.95 ટકા, કચ્છમાં 54.91 ટકા, મોરબીમાં 61.96 ટકા, પોરબંદરમાં 53.84 ટકા, રાજકોટમાં 55.93 ટકા અને સુરેન્દ્રનગરમાં 60.91 ટકા મતદાન નોંધાયું છે. અલબત્ત આ આંકડાઓમાં નજીવા ફેરફાર થઈ શકે છે અને મોડીરાત્રે સત્તાવાળાઓ ફાઈનલ આંકડા જાહેર કરશે.

નોંધનીય છે કે આદિવાસી બેલ્ટ ગણાતાં ડાંગ, તાપી, વલસાડ, નવસારી, નર્મદા જેવા અનેક જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી રહી છે. જ્યારે શહેરોની ટકાવારી ચિંતાજનક રીતે નીચી રહી છે. અત્યાર સુધીનું ગણિત એવું હતું કે આદિવાસી બેલ્ટ ઉપર કોંગ્રેસની પક્કડ મજબૂત છે જ્યારે શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ છે. આમ આદિવાસી બેલ્ટ ઉપર ઊંચા મતદાનથી કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નીચું મતદાન ભાજપ માટે ચિંતાજનક લાગી રહ્યું છે.

જો કે હવે 89 બેઠકોના 168 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે અને આગામી તા. 8મીના રોજ મતગણતરી બાદ જાહેર થશે કે ગુજરાતનું સુકાન લોકો કોને સોંપે છે. ત્યાં સુધી રાજકીય પક્ષોએ હવે તા. 5મીના રોજ યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે જોર કરવું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *