ડોલર છ મહિનાની નીચી સપાટીએ, શેરબજારોમાં મંદી
અમેરિકી ફેડરલ રિઝર્વે લાંબા ગાળાના વ્યાજદરોમાં વધારાનો અંદાજ આપતાં વોલ સ્ટ્રીટમાં મંદીનો માહોલઃ એશિયન શેરબજારો પણ મંદીની અસરમાં ઘટાડા સાથે ખુલ્યાઃ ભારતીય શેરબજારો ખુલતાવેંત પટકાયા, સેન્સેક્સમાં 186.74 અને નિફ્ટીમાં 51.95નો ઘટાડોઃ ક્રૂડ ફરી ઊંચકાવાની સંભાવના
અમેરિકી ફેડરલ રિઝર્વે જાહેર કરેલા એક અંદાજને કારણે વિશ્વભરના શેરબજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને યુએસ ડોલર પણ 6 મહિનાની નીચી સપાટીએ પટકાઈ ગયો છે. એશિયન તેમજ ભારતીય શેરબજારોમાં તેની સીધી અસર જોવા મળી છે. અલબત્ત ક્રૂડ ઓઈલના ભાવો ફરી વધવાની શક્યતા છે.
US ફેડરલ રિઝર્વે ગઈકાલે કહ્યું હતું કે તે લાંબા ગાળા માટેના વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. જેને પગલે US ટ્રેજરી યિલ્ડમાં ઘટાડો શરૂ થયો હતો. વેપારીઓમાં ચિંતા શરૂ થઈ હતી કે US ફેડરલ રિઝર્વની સખ્ત નીતિને કારણે મંદી વધશે, જેથી અમેરિકાના S&P 500 24.33 (0.61%), ડાઉ જોન્સ 142.29(0.42%) અને નૈસ્ડેક 85.92 (0.76%)ના ઘટાડા સાથે બંધ થતાં મંદીનો માહોલ શરૂ થયો હતો.
અમેરિકી શેરબજારોને પગલે જાપાનનો નિક્કી 0.17 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પિ 0.92 ટકા, ઓસ્ટ્રેલિયાનો સ્ટોક બેન્ચમાર્ક 0.4 ટકા જ્યારે હોંગકોંગનો હૈંગ સૈંગ 1.71 ટકા પટકાયા હતાં. ચીનના મુખ્ય બ્લ્યુ ચિપ્સમાં પણ 0.51 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ભારતનો સેન્સેક્સ ખુલતા બજારમાં 186.74 ઘટી 62,491.17 અને નિફ્ટી 51.95 ટકા ઘટીને 18,608.35 રહ્યો હતો.
ડોલર ઈન્ડેક્સ કે જે યૂરો અને સ્ટર્લિંગ સહિત છ મુખ્ય સાથી ચલણોના ગ્રીનબેકનો આંક નક્કી કરે છે, તે ડોલર 103.44 નજીક રહ્યો, જે છ મહિનાનું સૌથી નીચું સ્તર છે. 16 જૂન બાદ ડોલરનો આ સૌથી નીચો ભાવ રહ્યો છે. યૂરો અને સ્ટર્લિંગનું પ્રદર્શન પણ એકંદરે સારૂં નથી, પરંતુ આ બંને ચલણો પણ ડોલરની સરખામણીમાં છ મહિનાના સૌથી ઊંચા સ્તરે રહ્યાં છે. તેનાથી વિપરીત ભારતીય રૂપિયો ડોલર સામે 15 પૈસા ઘટીને 82.64ની સપાટીએ ખૂલ્યો છે.
શેરબજારો તેમજ વિનિમય બજારોની આવી સ્થિતિ વચ્ચે ક્રૂડના ભાવો ફરીથી વધે તેવી શક્યતા જોવા મળી છે. ઓપેકએ કહ્યું છે કે આવતાં વર્ષે ક્રૂડની માંગ રોજની 2.25 મિલિયન બેરલ વધીને 101.8 મિલિયન થઈ જશે. ચીનની વધી રહેલી વ્યાપારી ગતિવિધિઓથી આવી આશા બંધાઈ છે. બૈન્ટ ક્રૂડ બુધવારે 2.02 ડોલરના વધારા સાથે બંધ થયા બાદ એક ટકો વધીને 82.71 ડોલરે ખુલ્યો છે. તેનાથી વિપરીત અમેરિકી ક્રૂડ 4 સેન્ટ ઘટીને 77.24 ડોલર થયો છે.