અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની સરાજાહેર હત્યા, સમગ્ર પંજાબમાં તંગદિલીનો માહોલ
મજીઠા રોડ ગોપાલ મંદિરની બહાર સુધીર સૂરી ધરણાં પર બેઠા હતાં, સ્વિફ્ટ કારમાં આવેલા હત્યારા સંદિપ સિંહે લાયસન્સ્ડ રિવોલ્વરથી પાંચ ગોળી ધરબી દેતાં મોતઃ બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ હુમલાની ચેતવણી આપી હતીઃ તપાસમાં ISI અને ખાલિસ્તાની સમર્થકો સુધી તાર જોડાય તેવી શક્યતા, રાજ્યમાં શાંતિ જાળવવા પોલીસવડાની અપીલ
પંજાબમાં એક મોટા ચક્ચારી ઘટનાક્રમમાં શિવસેનાના નેતાની દિનદહાડે સરાજાહેર ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. જો કે હવે આ હત્યામાં ISI અને ખાલિસ્તાની સમર્થકો સુધી કડીઓ જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હત્યારાની કાર પર ખાલિસ્તાની સમર્થકનું સ્ટીકર હોવા સાથે એક ટારગેટ લિસ્ટ પણ મળી આવ્યું છે. સાથે જ બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ સુધીર સૂરીના નામજોગ હુમલા અંગે ચેતવણી આપી હતી. જેથી પોલીસ માટે આ હત્યાકેસ હવે મોટો કોયડો બનવા લાગ્યો છે. તો બીજી તરફ સૂરીની હત્યાને પગલે શિવસેનાના સમર્થકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે રાજ્યના ડીજીપીએ પત્રકાર પરિષદ યોજી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
અમૃતસરના મજીઠા રોડ પર સ્થિત ગોપાલ મંદિરની બહારના ભાગે ગંદકી જેવા મુદ્દે શિવસેનાના નેતા સુધીર સૂરી ધરણાં પર બેઠાં હતાં. દરમિયાન આજે 3.30 વાગ્યાના અરસામાં એક સ્વિફ્ટ કાર ત્યાં પહોંચી અને તેમાંથી ઉતરેલા શખ્સે પોતાની રિવોલ્વરમાંથી સુધીર સૂરીના શરીરમાં ઉપરાછાપરી પાંચ ગોળીઓ ધરબી દીધી હતી. લોહિલુહાણ હાલતમાં સૂરીને હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતાં. તો બીજી તરફ ગોપાલ મંદિરની બહાર લોકોના ટોળાએ હુમલાખોરની કારની તોડફોડ કરી તેને આંતર્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે જણાયું છે કે હુમલાખોરની ઓળખ સંદિપ સિંહ તરીકે થઈ છે. તે જે કારમાં આવ્યો હતો કે સ્વિફ્ટ કાર ઉપર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનું સ્ટીકર લાગેલું હતું. અમૃતપાલ વારિસ પંજાબ દેનો પ્રમુખ છે અને તેને જરનૈલ સિંહ ભિંડરાંવાલે અને ખાલિસ્તાની સમર્થક માનવામાં આવે છે. કારની તલાશી લેતાં તેમાંથી એક ટારગેટ લિસ્ટ પણ મળી આવ્યું છે અને આ ટારગેટ ઉપર કોઈ નિશાન કરાયું છે. વધુ એક સૂત્ર દ્વારા એવું પણ જણાવાયું છે કે ઉક્ત કારમાંથી એક ફાઈલ પણ મળી છે જે ફાઈલમાં કોમેડિયન ભારતી સિંહ તેમજ એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીત સિંહ બિટ્ટાના ફોટા પણ લગાડવામાં આવ્યા છે.
સૌથી નોંધનીય વાત એ છે કે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા બે દિવસ પૂર્વે જ એવું એલર્ટ અપાયું હતું કે સુધીર સૂરી ઉપર હુમલો થઈ શકે છે. એજન્સી પાસે એવું ઈનપૂટ હતું કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIએ રંધાવા નીતા અને લાહોરના ગેંગસ્ટરોને સુધીર સૂરીની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. 23મી ઓક્ટોબરે જ પંજાબ એસટીએફ અને અમૃતસર પોલીસે ચાર ગેંગસ્ટર્સને ઝડપી પાડ્યા હતાં, જેઓ રિંદા અને લિંડા ગેંગના હતાં. તેમણે પૂછપરછમાં એવી કબૂલાત પણ કરી હતી કે તેઓ સુધીર સૂરીની હત્યાનું ષડ્યંત્ર રચી રહ્યાં છે અને રેકી સુદ્ધાં કરી લીધી છે. જેને પગલે પંજાબ પોલીસે સુધીર સૂરીની સુરક્ષા વધારી હતી. હુમલા વખતે પણ પંજાબ પોલીસના આઠ પોલીસ અધિકારીઓ સુધીર સૂરીની સુરક્ષામાં તહેનાત હતાં, છતાં તેમની સામે જ સૂરીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
બીજી તરફ સુધીર સૂરીની હત્યાથી તેમના સમર્થકો તેમજ શિવસૈનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેઓનું કહેવું છે કે સૂરીની હત્યામાં ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. પોલીસે તમામને આશ્વાસન આપ્યું છે કે હત્યારા સંદિપ સિંહની ધરપકડ થઈ ચુકી છે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. છતાં પણ સમગ્ર પંજાબમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને ખાળવા માટે રાજ્યના પોલીસવડા ગૌરવ યાદવે પત્રકાર પરિષદ યોજી હતી અને લોકોને અફવાથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ કરી છે.