November 22, 2024

અમરેલીમાં ઓપરેશન અંધાપા મામલો:ઇન્કવાયરી કમિટીએ સોંપ્યો રિપોર્ટ

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓને આવેલા અંધાપા મામલે આજે ઇન્કવાયરી કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે.
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં 16-11-2022થી 23-11-2022 સુધીમાં આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓને અંધાપો આવવાની ઘટનામાં સરકારે આ ઇન્કવાયરી કમિટીની રચના કરી હતી. જે મામલે આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના નિષ્ણાતોની સમિતીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં સંસ્થામાં માળખાકિય સુવિધાની ખામી, દવા અને અન્ય સામગ્રીની ખામી, તેમજ સર્જન અને સ્ટાફની બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. આ સંસ્થા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ફેક્શન કંટ્રોલ પોલિસી 2019 અંતર્ગત દર્દીઓની દ્રષ્ટી બચાવવા લેવાના થતા પગલાં બાબતે નિષ્ફળ ગઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને આધારે રાજ્ય સરકારે આદેશ આપતાં જણાવ્યું છે કે,સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવેલા દર્દીઓ માટે 10 લાખ રૂપિયા, આંશિક અસર પામેલા દર્દીઓને 5 લાખ રૂપિયા તથા સારવારથી દૃષ્ટિ પરત મેળવેલા દર્દીઓને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે.
આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે કડક પગલાં લેવાના આદેશ કર્યા છે. આ ઉપરાંત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા ચેરિટી કમિશનરને સૂચના આપવામાં આવી છે. તેમજ આ સંસ્થા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું જણાવીને શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીને રાજ્ય સરકારની આરોગ્ય નીતિ હેઠળ મળતી ગ્રાન્ટમાંથી પાંચ કરોડ જેટલી દંડની રકમ કાપી લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *