હિન્દુ શબ્દનો અર્થ ખૂબ ગંદો, જાણશો તો શરમ આવશે
કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતિષ જારકીહોલીનું વિવાદીત નિવેદનઃ હિન્દુ શબ્દ મૂળ ફારસીનો છે, એનો અર્થ એટલો ગંદો છે કે તમે જાણશો તો શરમ આવશેઃ નિવેદનથી રાજકારણમાં ગરમાટો, ભાજપે પ્રતિક્રિયા આપવી શરૂ કરીઃ અગાઉ કોંગ્રેસી નેતા શિવરાજ પાટીલે પણ ગીતામાં જેહાદનું નિવેદન આપી વિવાદ ઉભો કર્યો હતો
ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ફરી એક નવો વિવાદ છંછેડાયો છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સતિષ જારકીહોલીએ એવું નિવેદન કર્યું છે કે હિન્દુ શબ્દ મૂળ ફારસીમાંથી આવેલો શબ્દ છે અને તેનો અર્થ ખૂબ જ ગંદો થાય છે.
કર્ણાટકના આ અગ્રણી કોંગ્રેસી નેતા ગઈકાલે રવિવારે બેલગામી જિલ્લાના નિપ્પાની ક્ષેત્રમાં આયોજિત માનવ બંધુત્વ સંગઠનના એક કાર્યક્રમમાં પોતાનું પ્રવચન આપી રહ્યાં હતાં. પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે જણાવ્યું કે હિન્દુ શબ્દ મૂળ ભારતનો છે જ નહીં, તે ફારસી શબ્દમાંથી આવ્યો છે. તેનો અર્થ એટલો ગંદો છે કે તમે જાણશો તો શરમ લાગશે.
તેમણે ઉમેર્યું કે આ શબ્દ જ્યાંથી આવ્યો છે તે ઈરાક, ઈરાન, કઝાકિસ્તાન જેવા દેશો સાથે ભારતને કોઈ લેવા-દેવા જ નથી. તો હિન્દુ શબ્દને આપણી ઉપર શા માટે થોપી દેવામાં આવ્યો છે, શા માટે આપણે આ અંગે યોગ્ય ચર્ચા કરતાં નથી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.
જારકીહોલીના આ નિવેદનને પગલે ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપે તેને વોટબેન્કની રાજનીતિ ગણાવી છે. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે આ હિન્દુઓને ભડકાવવાનું તેમજ તેઓનું અપમાન કરવાનું ષડ્યંત્ર છે. નોંધનીય છે કે થોડા સમય પૂર્વે જ મહારાષ્ટ્રના અગ્રણી કોંગ્રેસી નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે પણ ગીતામાં જેહાદ વાળુ નિવેદન કરીને મોટો વિવાદ ઉભો કર્યો હતો.
હવે જ્યારે ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે હિન્દુ શબ્દ વિષેના કોંગ્રેસી નેતાના આ નિવેદનની શું અસર થાય છે તે જોવું રહ્યું. અલબત્ત હાલમાં તો ભાજપ ઉપરાંત સામાન્ય હિન્દુ લોકોએ પણ કોંગ્રેસી નેતા જારકીહોલીના આ નિવેદનની ગંભીર ટીકા શરૂ કરી છે.