October 31, 2024

હૈદ્રાબાદ સ્ટેડિયમમાં ટિકિટ ખરીદવા પડાપડી, અફડાતફડી સર્જાઈ

આજે ગુરુવારે હૈદરાબાદ સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે શુક્રવારે રમાનારી ત્રીજી ટી-20ના મેચની ટિકિટોના વેચાણ દરમિયાન અફડાતફડી મચી ગઈ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ મેચની ટિકિટોનું વેચાણ આજે ગુરુવારે સવારે 10 વાગે શરૂ થવાનું હતું. પરંતુ ટિકિટ ખરીદવા માટે રાત્રે 3 વાગ્યાથી ક્રિક્ટ રસિયાઓ સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા. સવાર પડતાં જ ભીડ વધવા લાગી હતી અને તે ભીડ એટલી વધી ગઇ કે ભીડ પર કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હૈદરાબાદના ક્રિકેટ રસિયાઓ લાંબા સમયથી ઇન્ટરનેશનલ મેચની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીં લગભગ 3 વર્ષ પછી ઇન્ટરનેશનલ મેચ રમાશે. હૈદરાબાદમાં છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ડિસેમ્બર 2019માં વેસ્ટઇન્ડીઝ સામે યોજાઈ હતી જે ટી-20 ફોર્મેટમાં જ હતી.