December 3, 2024

હડતાળની અસર શરુ: કેટલાંક પેટ્રોલ પંપો થયા તળિયા ઝાટક

Gujarat Update

કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસમાં નવા કાયદાની જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે આ હડતાળની અસર હવે સામાન્ય લોકો પર પણ ધીમેધીમે દેખાઈ રહી છે. આ હડતાળને કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી અને ફળો જેવી જીવન જરુરી ચીજવસ્તુઓ સમયસર ન પહોંચી શકવાને કારણે લોકોને અસર પડી રહી છે ત્યારે કેટલાંક પેટ્રોલ પંપોના તળિયા ઝાટક થઈ જવાના પગલે તેને બંધ કરવાની નોબત આવી છે. જો આ પરિસ્થિતિ વધુ સમય સુધી રહેશે તો ચીજવસ્તુઓની સાથે સાથે સામાન્યજનને અવરજવર માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા હિટ એન્ડ રનનો જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે તે મુજબ જો કોઈ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવાની જોગવાઈ છે જેથી આ કાયદાનો ટ્રક ડ્રાઈવરો ઉપરાંત બસ, ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ વિરોધ કરી રહ્યા છે અને કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહનોના પૈડા થંભાવી દીધા છે.

જો કે, આ હડતાળની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી શકે છે.એમપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાંથી પેટ્રોલ અને ડીઝલ પંપ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે અને કેટલાક પેટ્રોલપંપ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે જ્યારે કેટલાંક પર પુરવઠો ખતમ થઈ જવાને કારણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે સુરતમાં ધમધમતા રહેતાં હનીપાર્ક રોડ પર આવેલા અનાવિલ પેટ્રોલપંપ પર પેટ્રોલનો પુરવઠો ખુટી પડતાં વાહન ચાલકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા અને અન્ય પંપો તરફ દોટ મુકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો