October 30, 2024

ગુજરાત વિધાનસભાઃ સત્તાવાર પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન

2017માં પ્રથમ તબક્કામાં 66.75 ટકા મતદાન થયું હતું, 19 જિલ્લાની 89 બેઠકો માટે ઓછા મતદાનથી ઉમેદવારો અને રાજકીય પક્ષો ચિંતિત, અનેક ગણિત ઊંધા પડે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગઈકાલે તા. 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થયું હતું, જેના સત્તાવાર આંકડા આજે જાહેર કરાયા છે. જે મુજબ પહેલા તબક્કામાં કુલ 63.14 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર માહિતી મુજબ સૌથી વધુ મતદાન નર્મદા બેઠક ઉપર 78.24 ટકા, બીજા ક્રમે તાપી બેઠક માટે 76.91 ટકા અને ત્રીજા ક્રમે નવસારી બેઠક માટે 71.06 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા, અમરેલીમાં 57.59 ટકા અને પોરબંદરમાં 59.51 ટકા નોંધાયું છે. જુનાગઢમાં પણ 59.52 ટકા જેટલું નીચું મતદાન છે, ત્યારબાદની તમામ બેઠકો માટે 60 ટકાની આસપાસ કે તેથી વધુ મતદાન નોંધાયું છે.

પ્રથમ તબક્કાના મતદાનની વાત જોઈએ તો ગત ચૂંટણી કરતાં એટલે કે 2017 કરતાં 3.61 ટકા મતદાન ઓછું નોંધાયું છે. 2017માં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 66.75 ટકા મતદાન થયું હતું, જેથી આ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની પણ પ્રભાવક એન્ટ્રી જોવા મળી રહી છે, ત્યારે ઓછા મતદાનને પગલે રાજકીય વિશ્લેષકોના ગણિત ઊંધા પડી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *