સુરત શહેર પોલીસમાં ડ્રાઈવરોની બદલીનો વિવાદ, પો.કમિ. તોમરની કુનેહથી શમ્યો
માત્ર 74 ડ્રાઈવરોની બદલીનો હુકમ 22મી સપ્ટે.ના રોજ કરાયો હતોઃ અસંતોષ અને ગણગણાટ વધી જતાં પો.કમિ. અજય તોમરે છેવટે હુકમ રદ્દ કરતાં વિવાદ શમ્યોઃ છતાં હજુ બદલીનો ખેલ પાડવાના પ્રકરણની તપાસ થવી જોઈએ તેવો આંતરિક રોષઃ ખાસ કરીને મહત્વની શાખાઓના ડ્રાઈવરોને યથાવત રખાતાં અસંતોષ વધ્યો હતો
સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂંક બાદ વિભાગની કામગીરી પ્રસંશનીય રહી છે અને વહિવટમાં પણ ભાગ્યે જ કોઈ ચૂક જોવા મળી હશે. પરંતુ થોડા સપ્તાહ પૂર્વે ડ્રાઈવરોની બદલીના હુકમ મુદ્દે આંતરિક અસંતોષ અને ગણગણાટ વધતાં તોમરે તુરંત જ બદલીનો હુકમ રદ્દ કરી વિવાદને મહદ્ અંશે શમાવી દીધો છે. અલબત્ત હજુ પણ એવો ગણગણાટ છે કે આ બદલી કેવી રીતે, કયા ધારાધોરણ મુજબ કરવામાં આવી તેની તપાસ થવી જોઈએ.
સુરત શહેર પોલીસ વિભાગમાં ખાસ ડ્રાઈવિંગ સહિતના કામોની વિશેષ ટ્રેનિંગ લીધેલા 350 જેટલા જવાનો ફરજ બજાવે છે. પોલીસ વિભાગના ધારાધોરણ મુજબ જ તેમને પગાર, ભથ્થા મળે છે અને સાથે જ નિયમાનુસાર તેમની સમયાંતરે બદલી, પ્રમોશન પણ થતાં હોય છે. દરમિયાન ગઈ તા. 22.9.2022ના રોજ સુરત શહેર પો.કમિ. અજય તોમરની સહી સાથે એક બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં 74 જેટલા ડ્રાઈવરોની તાત્કાલિક અસરથી બદલીનો આદેશ કરાયો હતો.
આ બદલીમાં ઘણાં જવાનો એવા હતાં કે જેમનો બદલી માટે નિયત સમય થયો ન હતો. કેટલાક એવા હતાં કે જેમણે જ્યાં બદલી માટે અરજ કરી હતી તેને બદલે તેમની અન્યત્ર બદલી કરી દેવામાં આવી હતી. સૂત્રો દ્વારા એવું જણાયું છે કે કાર્યરત ડ્રાઈવર પૈકીના કેટલાક જવાનોની વહેલી બદલી કરી દેવામાં આવી હતી અથવા તો બદલીનો સમય વિતી ગયો હોવા છતાં તેમની બદલીનો હુકમ કરાયો ન હતો. સૌથી વધુ અસંતોષ એ વાતનો હતો કે ક્રાઈમ બ્રાંચ, એસઓજી જેવી મહત્વની શાખાઓના ડ્રાઈવરોને યથાવત રખાયા હતાં.
છેવટે આ અસંતોષ અને ગણગણાટ પો. કમિ. અજય તોમર સુધી પહોંચ્યો હતો અને કદાચ તેમને આ વાતમાં તથ્ય જણાતાં તેમણે તુરંત જ બદલીનો હુકમ રદ્દ કરી દીધો હતો. અત્રે નોંધનીય છે કે ડ્રાઈવરોની જે બદલી કરવામાં આવી તેમાં પોલીસ વિભાગના જ એક ઉચ્ચાધિકારી સામે આંગળી ચિંધાઈ હતી. પો. કમિ. તોમરની કુનેહથી હાલ તો આ વિવાદ શમી ગયો છે પરંતુ હજુ પણ આંતરિક રોષ એવો છે કે આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ અને આવી ભૂલ કરનારા અધિકારી, કર્મચારીઓને ખુલ્લા પાડવા જોઈએ. તેની પાછળનું કારણ એવું પણ છે કે ટૂંકમાં જ ડ્રાઈવરોની બદલીના નવા હુકમ થઈ શકે છે, જેથી નવી બદલીઓમાં કોઈપણ જવાનને અન્યાય ન થાય.