November 22, 2024

સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના બિસ્માર રસ્તાઓ રિપેર કરવા મ્યુનિ. કમિ.ને રજુઆત

પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી કોંગ્રેસી અસલમ સાયકલવાળાએ પત્ર લખ્યોઃ પાલિકાનું વહિવટી તંત્ર રાજકીય દબાણવશ સેન્ટ્રલ ઝોન પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતાં હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ

સમગ્ર સુરત શહેરમાં બિસ્માર રસ્તાઓનો પ્રશ્ન યક્ષ બની રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં શહેરભરના માર્ગો ઉબડખાબડ થઈ ગયા છે. ત્યારે શહેરીજનોમાં સુરત મહાનગરપાલિકાના વહિવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને તળ સુરત એટલે કે સેન્ટ્રલ ઝોનના માર્ગોની હાલત તો અત્યંત દયનીય છે. ત્યારે સુરત મહાનગરના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી કોંગ્રેસી અસલમ સાયકલવાળાએ આજે પાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી સેન્ટ્રલ ઝોનના માર્ગોનું તાત્કાલિક પેચવર્ક કે રિકાર્પેટીંગ કરાવવા વિનંતી કરી છે. એટલું જ નહીં, પાલિકાનું વહિવટી તંત્ર કોઈ રાજકીય દબાણવશ સેન્ટ્રલ ઝોન પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતાં હોવાનું મ્હેણું પણ સાયકલવાળાએ માર્યું છે.

સાયકલવાળાએ સુરતના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર અગ્રવાલને પત્ર દ્વારા જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બાબતે મનપાનાં ભાજપ શાસકો અને વહીવટીતંત્ર દ્વારા સૌથી વધુ ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા, રૂસ્તમપુરા, સગરામપુરા, ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયા, ચોકબજાર, ભાગાતળાવ, રાણીતળાવ, નાણાવટ, શાહપોર વિગેરે વિસ્તારનાં તમામ રોડની સ્થિતિ અત્યંત દયાજનક છે. આ વિસ્તારના માર્ગો પરથી જ્યારે ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહન ચલાવતા કે પછી મુસાફરી કરતા જે અનુભવ થાય છે ત્યારે હજારો કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાને “સ્માર્ટ સિટી” કેવી રીતે કહી શકાય એવો પ્રશ્ન સ્વાભાવિક થાય છે.
સેન્ટ્રલ ઝોનમાં ઉપરોક્ત વિસ્તારનાં રોડની હાલની પરિસ્થિતિ વહીવટીતંત્રનાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓને કેમ દેખાતી નથી? આ વિસ્તાર સાથે કોઈ રાજકીય દબાણમાં કામગીરી કરવી નહિ એવા સંકલ્પ લીધા હોય એવું લોકોને પ્રતીત થઈ રહ્યું છે. રોડની દયનીય પરિસ્થિતિનાં કારણે મનપા તંત્ર સામે લોકોમાં ભારે રોષ છે.

મારી વિનંતી સાથેની રજુઆત છે કે, સેન્ટ્રલ ઝોનના તમામ રોડ તાકીદે પેચવર્ક અથવા રિકાર્પેટ કરવાની કામગીરી કોઈપણ પ્રકારનાં રાજકીય દબાણવશ થયા વિના શરૂ કરવામાં આવે. જો આપના અધિકારી કે કર્મચારીઓને ખાડા પડેલ બિસ્માર રોડ નહીં દેખાતા હોય તો તેઓ એમનાં અનુકૂળ સમયે મારો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *