સુરતમાં એક કરોડથી વધુના હીરાની સનસનીખેજ લૂંટ, પાંચ લૂંટારા ઝડપાયા
- સરથાણામાં આંગડિયા પેઢીના કર્મચારીઓ ઈકો કારમાં સામાન ભરતાં હતાં ત્યારે અન્ય ઈકો કારમાં આવેલા પાંચેક લૂંટારા પિસ્તોલ જેવા ઘાતક હથિયારોથી લૂંટ ચલાવી ફરાર
- આંગડિયાના પાર્સલમાં GPS લગાડ્યું હોવાથી પોલીસે લૂંટારૂઓને ટ્રેક કર્યાં અને વલસાડ પાસેથી દબોચી લીધાં, પાંચેય લૂંટારા મહારાષ્ટ્રના
સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે એક સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી હતી. જો કે GPS ટેક્નોલોજીની મદદ અને પોલીસની સતર્કતાને કારણે પોલીસને પાંચેય લૂંટારૂઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સમગ્ર ઘટના એવી છે કે સરથાણા વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પોતાની ઈકો કાર ઉભી રાખી જરૂરી સામાન ભરી રહ્યાં હતાં. તે વેળા સામેથી એક ઈકો કાર ધસી આવી હતી અને તેમાંથી ફિલ્મી ઢબે પાંચેક લૂંટારૂઓ ધડાધડ નીકળીને આક્રમક બન્યા હતાં. બે લૂંટારૂઓના હાથમાં રિવોલ્વર જેવા હથિયાર હતાં જ્યારે અન્ય લૂંટારૂઓએ ધારિયા, સળિયા જેવા સાધનોથી આંગડિયા પેઢીની ઈકો કારમાં તોડફોડ શરૂ કરી આતંક મચાવવો શરૂ કર્યો હતો. સાથે જ કારમાંથી રોકડ તેમજ પાર્સલો લઈને લૂંટારૂઓ નાસી છૂટ્યા હતાં. લૂંટની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આતંકનો માહોલ છવાઈ ગયો હતો.
દરમિયાન પોલીસને જાણ કરાઈ હતી અને તપાસ કરતાં પોલીસને એવી જાણ થઈ હતી કે આંગડિયા પેઢીના પાર્સલોમાં GPS લગાડવામાં આવ્યા છે. જેથી પોલીસે તુરંત જ GPSના આધારે લૂંટારૂઓને ટ્રેક કરવા શરૂ કર્યાં હતાં. ગણતરીના કલાકોમાં જ મુંબઈ તરફ ભાગી રહેલાં લૂંટારૂઓની ઈકો કારને વલસાડ નજીક આંતરવામાં આવી હતી અને પાંચ લૂંટારૂઓની ધરપકડ કરી લૂંટનો તમામ મુદ્દામાલ પણ કબ્જે લઈ લેવાયો છે.
સૂત્રો મુજબ આ પાંચ લૂંટારૂ રાહુલ ઉત્તમ વાઘમારે, રાજકુમાર ગિરધારી ઉકે, મહંમદ સૈયદ અલાઉદ્દીન ખાન, જિતેન્દ્ર બદ્રીનાથ તિવારી અને પ્રમોદ પ્રભાકર જટાર (તમામ રહે. મુંબઈ) હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત સુરત પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને લૂંટની ઘટનામાં કેટલી રકમની લૂંટ થઈ હતી, જેવી અનેક બાબતો વિષે હજુ કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરાઈ નથી.