October 30, 2024

ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓચિંતી વધીને 2.86 લાખ ક્યુસેક

  • મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે હથનૂર ડેમમાં ભારે આવકને પગલે 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવું શરૂ કરાતાં ઉકાઈમાં પણ પાણીની આવક વધુ વધવાના સંકેત
  • વરસાદ ખેંચાઈ જતાં ઉકાઈ ડેમ અધૂરો રહી જવાની ભીતિ હતી, હવે મોટી રાહતઃ ભયજનક સપાટી હજુ ખાસ્સુ દૂર હોવાથી આઉટફ્લો 800 ક્યુસેક જાળવી રખાયો, ડેમ ભરાશે

દક્ષિણ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતાં લોકો અને ખાસ કરીને ખેડૂતો ચિંતાતૂર બન્યા હતાં. ઉભા પાકને નુક્સાનની ભીતિ જોવાતાં સરકારે વધુ સમય વીજળી ઉપરાંત ઉકાઈ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાનું શરૂ કર્યું હતું. તો એવી પણ દહેશત હતી કે દક્ષિણ ગુજરાતને સમગ્ર વર્ષ દરમિયાન ઉપયોગી રહેતાં ઉકાઈ ડેમમાં જો પાણીની સપાટી પૂરતી નહીં થશે તો? જો કે કુદરત તરફેણમાં આવી છે. મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં નવા નીર શરૂ થઈ ગયા છે.

ખાસ કરીને આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ઉકાઈ ડેમમાં ઓચિંતી જ 2.86 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. અલબત્ત તે પૂર્વે પણ 65 હજાર ક્યુસેક જેટલી પાણીની આવક હતી, પરંતુ બે જ કલાકમાં તે ઓચિંતી વધીને અંદાજે ચારથી પાંચ ગણી થઈ ગઈ હતી. વાત એમ છે કે મહારાષ્ટ્ર ઉપરાંત હથનૂર ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસી રહેલાં વરસાદને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ હથનૂર ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર વધતાં હથનૂર ડેમ છલોછલ થવા લાગ્યો છે. જેથી તેની સપાટી જાળવી રાખવા માટે 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

આમ હથનૂર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાતાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઓચિંતો વધારો થયો છે. અલબત્ત ઉકાઈ ડેમમાં ક્યાં સુધી કેટલું પાણી આવશે તે હથનૂર ડેમની સપાટીને આધારિત રહેશે. દક્ષિણ ગુજરાત માટે હાલના તબક્કે તો આ રાહતના સમાચાર છે. કારણકે ઉકાઈ ડેમની આજે બપોરે 12 વાગ્યાની સપાટી 338.12 ફૂટે હતી. એટલે કે ઉકાઈ ડેમ હજુ તેની ભયજનક સપાટીથી સાતેક ફૂટ જેટલો દૂર છે. જેથી હાલના તબક્કે ઉકાઈ ડેમમાંથી જાવક વધારાઈ નથી અને ડેમ ભરવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર વર્ષ દક્ષિણ ગુજરાતને સિંચાઈ સહિતના પાણીની અછત પડે નહીં. પરંતુ જો ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચી જાય અને ઉપરવાસથી પાણીની આવક સતત વધે તો તંત્રએ ઉકાઈમાંથી વધુ માત્રામાં પાણી છોડવાનો નિર્ણય લેવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *