સુરતની 16 બેઠકો માટે કુલ 168 ઉમેદવારો, સૌથી વધુ લિંબાયતમાં 44 ઉમેદવાર
વિધાનસભા 2022 ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફાઈનલ ચિત્ર જાહેરઃ સૌથી ઓછા 3 ઉમેદવારો મહુવા તાલુકામાંઃ ઓલપાડમાં 15, પૂર્વમાં 14 અને ચોર્યાસીમાં 13 ઉમેદવારોઃ મજુરામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે માત્ર 3 ઉમેદવારો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની પ્રક્રિયામાં આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો જેમાં હવે સુરત જિલ્લાની 16 બેઠકો માટે કુલ 168 ઉમેદવારો ફાઈનલ થયા છે. એટલે કે વિવિધ પક્ષોના આ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યાં છે.
જિલ્લામાં સૌથી વધુ 44 ઉમેદવારો 163-લિંબાયત બેઠક ઉપર ચૂંટણી લડશે. બીજા ક્રમે 155-ઓલપાડ ખાતે 15, ત્રીજા ક્રમે સુરત પૂર્વ-159 ખાતે 14 ઉમેદવારો ચૂંટણીમાં નસીબ અજમાવશે. ત્યારબાદની સ્થિતિ જોઈએ તો 168-ચોર્યાસીમાં 13 ઉમેદવારો, 164-ઉધના તેમજ 167-સુરત પશ્ચિમ ખાતે 10-10 ઉમેદવારો ફાઈનલ થયા છે. 160-સુરત ઉત્તરમાં 9, 158-કામરેજમાં તેમજ 166-કતારગામ અને 162- કરંજમાં 8-8-8 ઉમેદવારો, 157-માંડવીમાં 7 ઉમેદવારો, 156-માંગરોળ, 161-વરાછારોડ અને 169-બારડોલીમાં 5-5-5 ઉમેદવારો, 165-મજુરામાં 4 ઉમેદવારો જ્યારે સૌથી ઓછા મહુવા તાલુકામાં 3 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. આમ સુરત જિલ્લાની 16 બેઠકો માટે કુલ 168 ઉમેદવારો ફાઈનલ થઈ ચુક્યા છે અને તેઓ આવતીકાલથી પોતાનું પ્રચારકાર્ય વેગવંતુ બનાવશે.
અત્રે નોંધનીય છે કે સુરત મજુરા બેઠક પરથી રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમની સામે માત્ર 3 જ ઉમેદવાર છે. તો બીજી તરફ સુરત પૂર્વ બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે. આ બેઠક ઉપર મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર હોવાથી મોટી રસાકસીની ગણતરી હતી. પરંતુ આપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતાં હવે ભાજપને જીતની સરળતા રહે તેવા નવા ગણિત મંડાયા છે.