November 22, 2024

સામાન્ય વર્ગના આર્થિક પછાત લોકો માટે 10 ટકા અનામત ચાલુ રહેશેઃ સરકારની જોગવાઈ સાથે સુપ્રીમ સહમત

EWS (Economically Weaker Section) અનામત મુદ્દે પાંચ ન્યાયાધીશની બંધારણ પીઠનો 3-2ની બહુમતિથી ચુકાદોઃ ત્રણ ન્યાયાધીશોએ આર્થિક પછાત અનામતની તરફેણ કરી, બે ન્યાયાધીશોએ અસહમતિ દર્શાવીઃ SC/ST અને 0BCના ગરીબ લોકોને આ અનામતના ક્વોટામાંથી બાકાત રાખવા ભેદભાવ ગણાશે, બુનિયાદી ઢાંચાને કમજોર કરશે તેવા કારણ સાથે બે ન્યાયાધીશોની અસહમતિ

ભારતની સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બંધારણ પીઠે આજના એક મહત્વના ચુકાદામાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકો માટેના 10 ટકા અનામતના ક્વોટાને આખરે મંજુરી આપી છે. હકીકતમાં પાંચ પૈકીના ત્રણ ન્યાયાધીશોએ આર્થિક રીતે પછાત લોકો માટેના અનામતની તરફેણ કરી છે, પરંતુ બે ન્યાયાધીશોએ તેમાં અસહમતિ દર્શાવી છે. અલબત્ત ત્રણ વિરુદ્ધ બેની બહુમતિથી આ ચુકાદાને જાહેર કરાયો છે, જેથી હવે સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકો માટે સરકારે શરૂ કરેલી 10 ટકા અનામતની જોગવાઈ વિરુદ્ધના તમામ અંતરાયો દૂર થઈ ગયા છે.

2019ની લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારે બંધારણમાં 103મું સંશોધન કર્યું હતું, જેમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અંદાજે 40 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેના ઉપર સુનાવણી બાદ બંધારણ પીઠે 27મી સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જાહરે કરી આર્થિક અનામતની સરકારની જોગવાઈ સાથે સહમતિ દર્શાવી છે. બંધારણ પીઠમાં આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટીસ યુ. યુ. લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જે. બી. પારડીવાલા ભાગ લીધો હતો. સરકારે બંધારણમાં કરેલા આર્થિક પછાત વર્ગ માટેના 10 ટકા અનામતના ક્વોટાને જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી તેમજ જસ્ટિસ પારડીવાલાએ માન્ય રાખ્યો હતો અને યોગ્ય ગણાવ્યો હતો.

જો કે ચીફ જસ્ટિસ યુ. યુ. લલિત તેમજ જસ્ટિસ રવિન્દ્ર ભટએ સરકારના સુધારા મુદ્દે અસહમતિ દર્શાવી હતી. પોતાની નોંધમાં તેમણે ટાંક્યું હતું કે SC/ST અને 0BCના ગરીબ લોકોને આ અનામતના ક્વોટામાંથી બાકાત રાખવા ભેદભાવ દર્શાવે છે. આપણું બંધારણ બહિષ્કારની મંજૂરી આપતું નથી અને આ સંશોધન સામાજિક ન્યાયના તાણાં-વાણાંને નિર્બળ બનાવે છે. આમ એક રીતે આ સંશોધન બુનિયાદી માળખાને કમજોર કરનારૂં રહેશે.

એટલે કે હવે EWS (Economically Weaker Section) એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની સરકારે બંધારણમાં સુધારા સાથે કરેલી જોગવાઈ આડેના અંતરાયો દૂર થઈ ગયા છે. આ નિયમ મુજબ સામાન્ય એટલે કે SC/ST અને 0BC સિવાયના વર્ગ માટેના લોકોને નોકરી તેમજ શિક્ષણમાં 10 ટકા અનામતનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો