November 22, 2024

વધુ એક મોટા યુદ્ધના અણસારઃ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના 80 જેટલા યુદ્ધવિમાનોને ભગાડ્યા

અમેરિકા સાથે વિજિલન્ટ સ્ટોર્મ એર એક્સર્સાઈઝ અંતર્ગત દક્ષિણ કોરિયાએ, ઉત્તર કોરિયાના 180થી વધુ વિમાનોને સરહદ નજીક શોધી કાઢ્યા બાદ કાર્યવાહીઃ શુક્રવારે ચારેક કલાક બંને દેશોના યુદ્ધવિમાનો વચ્ચે પકડાપકડી જેવી સ્થિતિ સર્જાઈઃ ઉત્તર કોરિયા છંછેડાયું, વધુ નવાજુનીના એંધાણ

છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે જે આજે શુક્રવારે એક હદ સુધી વધ્યો છે. હકીકતમાં અમેરિકા સાથે યુદ્ધાભ્યાસ કરી રહેલાં દક્ષિણ કોરિયાએ આજે ઉત્તર કોરિયાના 180 વિમાનોને સરહદ નજીક શોધી કાઢ્યાં હતાં. ત્યારબાદની કાર્યવાહીમાં દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના સ્ટીલ્થ જેટ સહિતના 80 જેટલા યુદ્ધવિમાનોને આંતરીને તેમને ખદેડી દીધાં છે. જેને પગલે ઉત્તર કોરિયા છંછેડાયું હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ તંગદિલી યુદ્ધમાં પણ પરિણમે તેવી ભીતિ સેવાઈ રહી છે.

દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે વિજિલન્ટ સ્ટોર્મ નામે યુદ્ધાભ્યાસ શરૂ કરાયો છે. જે અંતર્ગત આજે દક્ષિણ કોરિયા અને અમેરિકાના યુદ્ધવિમાનોએ સંયુક્ત હવાઈ અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ નજીક ઉત્તર કોરિયાના 180 જેટલા સ્ટીલ્થ જેટ સહિતના યુદ્ધવિમાનો ઉડતાં દેખાયા હતાં. દક્ષિણ કોરિયાએ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને સરહદના નિયમોના ભંગ કરી રહેલાં સ્ટીલ્થ જેટ સહિત 80 જેટલા ઉત્તર કોરિયાના યુદ્ધવિમાનોને આંતર્યા હતાં અને ખદેડી મુક્યા હતાં.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન દ્વારા મિસાઈલોનું પરીક્ષણ શરૂ કરાયું છે. એક દિવસ પૂર્વે જ ઉત્તર કોરિયાએ સંખ્યાબંધ મિસાઈલો છોડી હતી અને તે પૈકી એકાદ-બે દક્ષિણ કોરિયાની સરહદ નજીક પડી હતી. ઉત્તર કોરિયા ખતરનાક બેલેસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. શાસક કિમ જોંગને સનકી માનવામાં આવે છે અને વિશ્વના દેશોની ચેતવણી કે શિખામણોને કોરાણે મુકી તે પોતાના મનનું ધાર્યું કરવા માટે જાણીતા છે.

ત્યારે દક્ષિણ કોરિયાના આજના પગલાંથી ઉત્તર કોરિયા છંછેડાયું હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ કોરિયાએ સરહદ ઉપર અમેરિકા સાથે હવાઈ યુદ્ધાભ્યાસ શરૂ કરતાં કિમ જોંગ ઉન અકળાયા છે. ત્યારે યુદ્ધવિમાનોને ખદેડવાના દક્ષિણ કોરિયાના પગલાંથી ઉત્તર કોરિયા કોઈ જવાબી કાર્યવાહી કરે તેવી ભીતિ પણ સેવવામાં આવી રહી છે. તાજેતરમાં રશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં અન્ય કેટલાક દેશો પણ યુદ્ધની કગારે પહોંચી ચુક્યા છે. ત્યારે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની આજે તંગદિલી વધતાં વધુ એક મોટા યુદ્ધના ભણકારા વાગવા શરૂ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *