વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત, ગાય અડફેટે ચઢતાં એન્જિનને નુક્સાન
વલસાડના અતુલ નજીક સવારે 8.18 વાગ્યે રેલવે ટ્રેક ઉપર ફરતી ગાય અડફેટે ચઢીઃ એક બોગી છૂટી પડવા ઉપરાંત બોગીના પાણીના પાઈપને પણ નુક્સાન, મુસાફરો અડધો કલાક હેરાન થયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડતાં ફરીથી ચર્ચામાં આવી છે. વલસાડના અતુલ નજીક આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં રેલવે ટ્રેક ઉપર ફરતી એક ગાય ટ્રેનના એન્જિનની અડફેટે ચઢી ગઈ હતી. જેને પગલે એન્જિનને નુક્સાન થતાં ખાસ્સો સમય ટ્રેઈન રોકવી પડી હતી અને મુસાફરો પરેશાન થયા હતાં.
વડાપ્રધાન મોદીએ ગત મહિનામાં જ સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી તેનો પ્રારંભ કરાવ્યો હતો. જો કે આ ટ્રેનને બે અકસ્માત નડી ચુક્યા હતાં. આજે વધુ એક વખત અકસ્માત વલસાડના અતુલ નજીક નડ્યો છે. રેલવે ટ્રેક ઉપર ફરતી એક ગાય વંદે ભારત ટ્રેનની અડફેટે ચઢી ગઈ હતી જેને પગલે ટ્રેનના એન્જિનને નુક્સાન થયું હતું અને ટ્રેનને અડધા કલાક જેટલો સમય સુધી રોકી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતાં.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ અકસ્માત સવારે 8.18 વાગ્યાના સુમારે થયો હતો. અકસ્માતને પગલે ટ્રેનના એન્જિનના બીસીયુ કવર ઉપરાંત ટ્રેનને જોરદાર આંચકો લાગતાં એક બોગી પણ અલગ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ એક બોગીના પાણીના પાઈપને નુક્સાન થતાં અતુલ રેલવે સ્ટેશન નજીક તેનું તાકીદે રિપેરીંગ કામ કરી પાણી ભરાવાયું હતું.
વંદે ભારત ટ્રેનને ટૂંકા ગાળામાં જ એક બાદ એક ત્રણ અકસ્માત થતાં તે ચર્ચાના કેન્દ્રમાં આવી છે.