November 23, 2024

મહિલાઓના સશક્તિકરણ, સન્માન, સહાય અને સમર્થન માટે ‘મિશન શક્તિ યોજના’

photo credit google

સુરતઃસોમવારઃ રાજ્ય અને કેન્દ્ર સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. મહિલા સશક્તિકરણ અને સન્માન માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડવા “મિશન શક્તિ” યોજના અમલમાં મૂકવામાં આવી છે. આવો જાણીએ આ યોજના વિષે..

મિશન શક્તિ યોજના શું છે?
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને સંજોગોવશ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાઓને તમામ યોજનાઓનો લાભ એક જ છત્ર નીચે મળી રહે તે માટે વર્ષ ૨૦૨૩ થી મિશન શક્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે કોઈપણ અસરગ્રસ્ત મહિલા માટે સ્વરક્ષણ, લાંબા કે ટૂંકા ગાળાના રહેઠાણ તથા કાયદાકીય માર્ગદર્શન માટે વરદાનરૂપ સાબિત થાય છે.

યોજનાનો ઉદ્દેશ
મિશન શક્તિ યોજના હેઠળ મહિલાઓને ભયમુક્ત વાતાવરણ મળે અને મહિલાલક્ષી યોજનાઓના તમામ લાભ એક જ છત્ર નીચે મળી રહે તેવા આશયથી મિશન શક્તિ યોજનાની શરૂઆત કરાઈ છે. યોજના અંતર્ગત મહિલાઓ અને કિશોરીઓને તેમનો સર્વગ્રાહી વિકાસ કરવો, મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલા અને કિશોરીઓને સક્ષમ બનાવવી, સામાજિક અને આર્થિક રીતે પછાત કે જેઓને કાળજી અને રક્ષણની જરૂરિયાત પૂરી પાડવી. લાંબાગાળાની અને ટૂંકાગાળાની મદદ અથવા માહિતીની જરૂર હોય તેઓને જરૂરી મદદ પૂરી પાડવાનો હેતુ છે.

મિશન શક્તિ યોજના હેઠળ આવરી લેવાયેલી અન્ય યોજનાઓ
મહિલાઓને પૂરતી મદદ એક જ જગ્યાએ મળી રહે તે માટે મિશન શક્તિ યોજના હેઠળ “સંબલ” અને “સામર્થ્ય” બે પેટા યોજનાઓ શરૂ કરાઇ છે. સંબલ પેટા યોજના એ મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે કાર્ય કરે છે. જેમાં મુખ્યત્વે ચાર યોજનાઓને આવરી લેવામાં આવી છે.
(૧) સખી વન સ્ટોપ સેન્ટર,
(૨) ૧૮૧ મહિલા હેલ્પલાઇન,
(૩) બેટી બચાવો,બેટી પઢાવો
(૪) નારી અદાલત યોજના
સંબલ યોજનામાં હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓની તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડીને મહિલાઓનું પુનર્વસન કરવામાં આવે છે.
‘સામર્થ્ય પેટા’ યોજના અંતર્ગત નીચે મુજબની યોજનાઓને આવરી લેવામાં આવી છે.
(૧) શક્તિ સદન (ઉજ્જવલા તથા સ્વધાર ગૃહ)
(૨) સખી નિવાસ (વર્કિંગ વુમન હોસ્ટેલ)
(૩) રાષ્ટ્રીય ક્રેસ યોજના,
(૪) હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (National/State/District)
રાષ્ટ્રીય કક્ષાએ: National Hub for Empowerment of Women (NHEW)
રાજ્ય કક્ષાએ : State Hub for Empowerment of Women (SHEW)
જિલ્લા કક્ષાએ : District Hub for Empowerment of Women (DHEW)
સામર્થ્ય યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજનાઓની જાણકારી તથા હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને આશ્રય સ્થાન આપવાનું મુખ્ય કાર્ય કરે છે. આ યોજના હેઠળ મહિલાઓને તાલીમ, કાયદાકીય માર્ગદર્શન તથા ક્ષમતાવર્ધન કરવામાં આવે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય?
મિશન શક્તિ યોજનાની ગાઈડલાઈન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગની ઘણી બધી યોજનાઓને આવરી લઈ એક જ છત્ર હેઠળ લાભ આપવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ દરેક જિલ્લામાં મહિલાઓને ટૂંકા ગાળાનો આશ્રય આપવામાં આવે છે. ૧૮૧ મહિલા હેલ્પલાઈન આકસ્મિક સંજોગોમાં મહિલાઓને મદદ માટે હંમેશા ફોન કોલથી જ મદદ મળી રહે છે. બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, કિશોરીઓ તથા મહિલાઓના સશક્તિકરણ તથા સુરક્ષા માટે કાર્ય કરે છે. નારી અદાલત દ્વારા મહિલાઓને કાનૂની સહાયતા આપવામાં આવે છે. શક્તિ સદન હેઠળ મહિલાઓ તથા પ્રતિકુળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓને આશ્રય આપી સમાજમાં પુન:સ્થાપન કરવામાં આવે છે. સખી નિવાસમાં રહેણાંકના સ્થળથી દુર નોકરી કરતી મહિલાઓને આશ્રય મળે છે. રાષ્ટ્રીય ક્રેસ યોજનામાં સ્વરોજગાર કે નોકરિયાત મહિલાઓના ૬ મહિનાથી ૬ વર્ષ સુધીના બાળકને સુરક્ષિત વાતાવરણ આપીને બાળકને ઘોડિયા ઘરની જેમ સાચવવાનું કાર્ય કરે છે. આમ, મહિલા સશક્તિકરણ કેન્દ્ર હેઠળ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માર્ગદર્શન આપી મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો